• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ટેરિફ બાજી બગાડી ન શક્યો, ભારતની નિકાસ વધી

નવી દિલ્હી, તા. 15 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઝીંકેલા ટેરિફની કોઇ અસર ભારત પર પડી નથી. ભારતીય અર્થવ્યવસ્થાએ પણ ટેરિફને મચક નથી આપી. કોઇના ભરોસે બેસી રહેવાની ભારતની કોઇ લાચારી નથી, તેવી પ્રતીતિ કરાવતા સમાચારમાં દેશની નિકાસનું કદ વધ્યું છે. નવેમ્બરમાં થયેલી નિકાસ છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ છે. આમ, ભારતે એ પૂરવાર કરી આપ્યું છે કે, અમેરિકા વગર અટકવાનું નથી. નવેમ્બર મહિનામાં ભારતની નિકાસ 19.37 ટકા વધીને 38.13 અબજ અમેરિકી ડોલર થઇ ગઇ હતી, બીજી તરફ, આયાત 1.88 ટકા ઘટીને 62.66 અબજ અમેરિકી ડોલર થઇ ગઇ હતી. સરકારે સોમવારે આંકડા જારી કર્યા હતા. સાથોસાથ બીજા સારા કહી શકાય તેવા સમાચાર એ પણ છે કે, ટેરિફની પ્રારંભિક આડઅસરો અવગણીને વીતેલા મહિને ભારતની વેપાર ખાધ ઓછી થઇ છે. ટેરિફનાં દબાણનાં પગલે ઓક્ટોબરમાં જે 41.68 અબજ ડોલર હતી, તે વેપાર ખાધ નવેમ્બર મહિનામાં ઘટીને 24.53 અબજ ડોલર રહી ગઇ છે. વેપાર ખાધમાં આ ઝડપી ઘટાડો ભારતની મજબૂત નિકાસ અને ઘટાડાયેલી આયાતનાં કારણે કારોબારના વિકાસનો સંકેત આપે છે. વાણિજ્ય મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં વધેલી નિકાસથી આ વર્ષે ઓક્ટોબરમાં થયેલાં નુકસાનની ભરપાઇ થઇ ગઇ છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે આયાત અને નિકાસના આંકડા પર નજર કરતાં નવેમ્બરને `શ્રેષ્ઠ મહિનો' લેખાવ્યો હતો. સેવાક્ષેત્ર પણ મજબૂત રહ્યું છે. એકલા ભારત દેશની અમેરિકાને નિકાસ નવેમ્બર મહિનામાં વીતેલાં વર્ષની તુલનાએ 1.3 અબજ ડોલર વધીને 6.98 અબજ ડોલર સુધી પહોંચી ગઇ હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, 50 ટકા જેટલા ઊંચા ટેરિફ છતાં અમેરિકાને ભારતની નિકાસ સ્થિર બની રહી છે, જળવાઇ રહી છે. એપ્રિલથી નવેમ્બરના આઠ મહિનાના સમયગાળા દરમ્યાન ભારતની કુલ નિકાસ 2.62 ટકા વધીને 292.07 અબજ અમેરિકી ડોલર થઇ ગઇ છે. આ આઠ મહિના દરમ્યાન દેશની આયાત 5.59 ટકા વધીને 515.21 અબજ અમેરિકી ડોલર થઇ ગઇ છે, જે શક્ય તેટલી ઘટાડવાના પ્રયાસ થઇ રહ્યા છે.

Panchang

dd