નવી દિલ્હી, તા. 2 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને તેના કેનેડીયન સમકક્ષ માર્ક કાર્ની વચ્ચે સોમવારે દિલ્હીમાં
મુલાકાત થઈ હતી. આ દરમિયાન બન્ને દેશ વચ્ચે મહત્ત્વની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર
કરવામાં આવ્યા હતા. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં મોદીએ કહ્યું
હતું કે બન્ને દેશ વચ્ચે નાગરીક પરમાણુ ઊર્જામાં લાંબી અવધિ માટે યુરેનિયમ
સપ્લાયની એક મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ છે. બન્ને દેશ નાના મોડયુલર રિએક્ટર અને ઉન્નત
રિએક્ટરો ઉપર સાથે મળીને કામ કરશે. મોદીએ કહ્યું હતું કે, ભારત અને કેનેડા લોકતાંત્રિક
મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે. માનવતાની ભલાઈ માટે બન્નેનું વિઝન સમાન છે. બન્ને
દેશનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં પરસ્પરના વેપારને 50 બિલિયન
ડોલર સુધી પહોંચાડવામાં આવે. પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં આગળ કહ્યું હતું કે
ભારત અને કેનેડા ભવિષ્યની ટેક્નોલોજી ઉપર મળીને કામ કરશે. એઆઇ, ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ
અને સેમી કંડક્ટર્સ ક્ષેત્રમાં પરસ્પર સહયોગને વિસ્તાર આપવામાં આવશે. આ ઉપરાંત
ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારીને નવા સ્તરે લઈ જવા ભાર મૂકવામાં આવ્યો છે. જેના માટે
ચાલુ વર્ષે જ ભારત-કેનેડા રિન્યુએબલ એનર્જી અને સ્ટોરેજ સમિટનું આયોજન કરવામાં
આવશે. આર્થિક સુરક્ષાની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ પગલું ભરતા ક્રિટિકલ મિનરલ્સ
ઉપર એમઓયુ કરવામાં આવ્યા છે. જેનાથી બન્ને દેશ વચ્ચેની સપ્લાઈ ચેન વધારે મજબૂત
બનશે. પીએમ મોદીએ ઘોષણા કરી હતી કે કેનેડાએ નક્કી કર્યું છે કે તે ઇન્ટરનેશનલ સોલાર
અલાયન્સ અને ગ્લોબલ બાયોફ્યૂલ અલાયન્સમાં પણ સામેલ થશે. કેનેડાના વડા પ્રધાન માર્ક
કાર્નીએ કહ્યું હતું કે, છેલ્લા દશકમાં પીએમ મોદીનાં
નેતૃત્વમાં ભારત દુનિયાની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બન્યું છે. ગયા વર્ષમાં ભારત
અને કેનેડાની સરકાર વચ્ચે જે સંવાદ થયો છે તે બે દશકમાં થયેલા સંવાદ કરતા પણ વધારે
છે. આ બે આત્મવિશ્વાસી દેશ વચ્ચેની ભાગીદારી છે. જેનાથી ભવિષ્યની દિશા સ્વયં નક્કી
કરવામાં આવી રહી છે.