નવી દિલ્હી, તા.2: અમેરિકા-ઈઝરાયલ
અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનાં મૃત્યુ બાદ વધુ જલદ
બની ગયું છે. અમેરિકા અને ઈઝરાયલનાં હુમલામાં ખામેની સહિત પપ0 લોકોનાં
મૃત્યુ પછી ઈરાને આખા ખાડી પ્રદેશને ઈંતકામની આગમાં ધકેલી દીધો છે અને આજે પણ ખાડી
દેશોમાં અમેરિકાની અસ્કયામતો ઉપર ભીષણ હુમલા ચાલુ રાખ્યા હતાં. વકરી ગયેલા આ
યુદ્ધનાં ત્રીજા દિવસે દુનિયાને દહેશતમાં નાખી દે તેવા ઘટનાક્રમમાં ઈરાને કહ્યું
છે કે, અમેરિકા
અને ઈઝરાયલે તેનાં નતાન્જ પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલો કર્યો છે. જેને પગલે ઈરાનમાં
પરમાણુ રેડિએશનનો ખતરો પેદા થઈ ગયો છે. આ કટોકટીભરી સ્થિતિ વચ્ચે વિયેનામાં
આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીનાં બોર્ડ ઓફ ગવર્નંસની આપાતકાલીન બેઠક મળી હતી અને
તેનાં તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે, રેડિએશનનાં
સંજોગોમાં ઈરાનનાં અનેક મોટા શહેરોને ખાલી કરાવવા પડી શકે છે.
હવે કોઈ વાટાઘાટ નહીં : ઈરાન
ખામેનીનાં મૃત્યુ બાદ ઈરાનની
રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનાં મંત્રી અલી લારીજાનીએ અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટોની
સંભાવના સાફ શબ્દોમાં નકારી કાઢી છે. આ પહેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી દાવો કરવામાં આવ્યો હતો
કે, ઈરાન હવે
અમેરિકા સાથે બેઠક માટે તૈયાર છે. જો કે ઈરાને આની પ્રતિક્રિયામાં હવે વાટાઘાટને
કોઈ ગુંજાશ બની ન હોવાનું કહીને યુદ્ધ વધુ ભડકવાનાં એંધાણ આપી દીધા છે. ઈરાનમાં પપ0 લોકોનાં
મૃત્યુ ઉપરાંત યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 777 લોકો
હોસ્પિટલમાં ભર્તી થયા છે. જેમાંથી 86ની હાલત નાજુક હોવાનું કહેવાય
છે.
લેબનોનને પણ યુદ્ધમાં
ઈરાનની રાજધાની તેહરાનમાં
નવેસરથી હુમલો બોલાવતા ઈઝરાયલે ધણધણાટી બોલાવી દીધી હતી. તહેરાનમાં દિવસ દરમિયાન
અનેક સ્થાને પ્રચંડ વિસ્ફોટ થતાં રહ્યાં હતાં. ખાડી દેશો ઉપરાંત ઈઝરાયલને તાંકીને
ઈરાનમાંથી ધાણીફૂટ વછૂટતા મિસાઈલો અને બોમ્બમારા વચ્ચે ઈઝરાયલે તેહરાનની સાથોસાથ
ઉત્તર ઈઝરાયલમાં રોકેટ મારો ચલાવનાર હિઝબુલ્લા ઉપર લેબનોનમાં હુમલો બોલાવી દીધો
હતો. ઈઝરાયલે તેનાં આ હુમલામાં 30 લોકો મરાયા હોવાનું કહ્યું હતું.
આમ, ઈરાન પછી
આજે ઈઝરાયલે લેબનોનને પણ યુદ્ધમાં ઘસડી લીધું છે. લેબનોનની રાજધાની બૈરુતમાં
ઈઝરાયલે બોમ્બનો મારો કરી નાખ્યો હતો.
અમેરિકાનાં યુદ્ધ વિમાનો તૂટયા
અમેરિકા અને ઈઝરાયલ સામે ઈરાન એમ
આસાનીથી હાર માનવાનું નથી તેનો અણસાર આપતી જાણકારી કુવૈતમાંથી આવી હતી.
મધ્યપૂર્વમાં યુદ્ધની આગનાં વધતા વ્યાપ વચ્ચે ઈરાને આજે દાવો કર્યો હતો કે, કુવૈતમાં અમેરિકી
વાયુસેનાનાં એફ-1પને તોડી પાડવામાં આવ્યું છે.
ઈરાનનાં આ કારનામાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બની ગયો હતો. કુવૈત દ્વારા
પણ ઈરાનનાં આ દાવાને પુષ્ટિ આપી દેવામાં આવી હતી. કુવૈતનાં સંરક્ષણ મંત્રાલયે
કહ્યું હતું કે, અમેરિકાનાં યુદ્ધ વિમાનને તૂટયાં
છે. જો કે આમાં કુવૈતે એવો પણ ખુલાસો કર્યો હતો કે, ભૂલથી
તેની વાયુરક્ષા પ્રણાલીએ અમેરિકાનું વિમાન તોડી પાડયું છે. તેનાં ચાલકોનો આબાદ
બચાવ થયો હોવાનું પણ કહેવાય છે. કુવૈતમાં અમેરિકાનાં દૂતાવાસને પણ નિશાન બનાવીને
ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં દૂતાવાસમાંથી ઉઠતા ધુમાડાનાં ગોટાને પગલે સારા
એવા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું.
હુમલા નહીં અટકે : ટ્રમ્પ
બીજીબાજુ ટ્રમ્પે નવી ધમકીમાં
કહ્યું હતું કે, જ્યાં સુધી ઉદ્દેશ પૂર્ણ નહીં થાય અને ત્રણ અમેરિકી સૈનિકોનાં મૃત્યુનો
બદલો નહીં વસૂલાય ત્યાં સુધી આ સૈન્ય કાર્યવાહી જારી રહેશે. ટ્રમ્પનું કહેવું છે
કે, ઈરાન તેમની હત્યા કરે તે પહેલા અમેરિકા અને ઈઝરાયલે
ખામેનીને ખતમ કરી નાખ્યા છે.
યુએઈમાં ઈરાનનો કહેર
ઈરાનની જવાબી કાર્યવાહીમાં સૌથી
મોટો કહેર યુએઈ ઉપર તૂટયો છે. યુએઈનાં રક્ષા મંત્રાલયનાં કહેવા અનુસાર ઈરાનમાંથી
દેશનાં વિભિન્ન ભાગોમાં કુલ 165 બેલિસ્ટિક મિસાઈલ, 2 ક્રૂઝ મિસાઈલ અને પ41 ડ્રોનનાં
હુમલા થયા છે. આમાંથી 506 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે
અને 35 દેશનાં વિભિન્ન ભાગોમાં ફાટયા હતાં. જેનાથી સારું એવું
નુકસાન થયું છે. આ ઉપરાંત 28 મિસાઈલોને પણ નષ્ટ કરીને
દરિયામાં પછાડી દેવાઈ હોવાનો દાવો યુએઈએ કર્યો હતો.
ઈરાનનાં કોર્નાક નૌસેના મથક ઉપર
તબાહી
બીજીબાજુ અમેરિકા અને ઈઝરાયલે
ઈરાનનાં કોર્નાક નૌસેના મથક ઉપર ધાબો બોલાવી નાખ્યો હતો. આ હુમલામાં ત્રણ જહાજો
ડૂબ્યા હતાં અને અનેક ઈમારતો તબાહ થઈ ગઈ હતી. આની સેટેલાઈટ ઈમેજો પણ ફરતી થઈ હતી
અને તેમાં કોર્નાક બેઝ ઉપર જમીનદોસ્ત થયેલી ઈમારતોનો કાટમાળ જોઈ શકાતો હતો.
ઈઝરાયલમાં ઈરાની હુમલાની દસમી
લહેર
ઈરાન રિવોલ્યુશ્નરી ગાર્ડ તરફથી
પોતાનાં ઓપરેશન ટ્રૂ પ્રોમિસ ઉપર સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું.
જેમાં કહેવામાં આવ્યું હતું કે હુમલાની દસમી લહેરમાં ખૈબર મિસાઈલોથી ગાઝામાં
ઈઝરાયલનાં કબજાગ્રસ્ત વિસ્તારોમાં મારો ચલાવવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને
તેલઅવીવમાં સરકારી પરિસરો, હાઈફામાં સૈન્ય અને સુરક્ષા મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાની સેનાએ
કહ્યું છે કે, તે હવે ઈઝરાયલમાં સાયરનનાં અવાજ ગુંજતા બંધ
થવા દેશે નહીં.
બ્રિટન, જર્મની અને ફ્રાંસ
અમેરિકાની સાથે
આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર નાટકીય
ઘટનાક્રમમાં બ્રિટને અચાનક પોતાનું વલણ બદલી નાખ્યું છે. અત્યાર સુધી આનાકાની કરતાં
રહેલા બ્રિટને હવે ઈરાન ઉપર મિસાઈલો વરસાવવા માટે અમેરિકાને પોતાનાં સૈન્ય મથક
વાપરવાની છૂટ આપવાનું એલાન કરી દીધું છે. બ્રિટન ઉપરાંત ફ્રાન્સ અને જર્મનીએ પણ
ઈરાનનાં જવાબી હુમલાને રોકવા માટે સજ્જતા દેખાડી હતી. આ ત્રણેય દેશ તરફથી સંયુક્ત
નિવેદન જારી કરવામાં આવ્યું છે અને ઈરાનનાં હુમલા સામે રોષ વ્યક્ત કર્યો છે.
ત્રણેય દેશનાં વડાપ્રધાને કહ્યું હતું કે,
તે પોતાનાં અને સહયોગી દેશોનાં હિત માટે સાથે મળીને કામ કરશે. આનો
અર્થ સ્પષ્ટ થઈ ગયો છે કે, ઈરાન સામે આંતરરાષ્ટ્રીય મોરચે
ઘેરાબંધી થવા લાગી છે.