નવી દિલ્હી, તા.6 : રશિયાના
રાષ્ટ્રપતિ પુતિને ભારત છોડતા પહેલાં પાકિસ્તાનને સંદેશો આપ્યો હતો જેમાં
તાલિબાનને આતંકવાદના દુશ્મન ગણાવ્યા છે. રાષ્ટ્રપતિ પુતિને મોસ્કો રવાના થતાં
પહેલાં અફઘાનિસ્તાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તાલિબાન સરકારે આતંકવાદ સામે
લડવા માટે મજબૂત પગલાં લીધા છે જેના કારણે રશિયાએ આ સરકારને માન્યતા આપી છે. પરત
જતા પહેલા પાકિસ્તાનને આડકતરી રીતે ટાંકતા જણાવ્યું હતું કે દાયકાઓથી આ દેશ
ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે પરંતુ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે.
તમારે આ સ્વીકારવું પડશે કારણ કે આ સત્ય છે. અફઘાન સરકારે અફીણના ઉત્પાદન પર
પ્રતિબંધ મૂક્યો છે. તેઓ ડ્રગ પડકારનો મજબૂત રીતે સામનો કરી રહ્યા છે. બીજા ઘણા
ક્ષેત્રો છે જેમાં તાલિબાન સરકાર ખૂબ સારી રીતે કામ કરી રહી છે. ભારતમાં રશિયાના
સરકારી ટેલિવિઝન નેટવર્ક આરટી ઇન્ડિયાના લોન્ચિંગ પ્રસંગે સંબોધતાં પુતિને કહ્યું
કે ભારતનું અર્થતંત્ર બદલાયું છે. ભાગીદાર તરીકે ભારતની ક્ષમતાઓ બદલાઈ ગઈ છે.
પરંતુ એક વાત યથાવત છે, મિત્રતા અને પરસ્પર સહયોગ વિકસાવવામાં બન્ને દેશનો રસ. રશિયા ટુડેનું
લક્ષ્ય રશિયન મૂલ્યો, સંસ્કૃતિ અથવા સ્થાનિક અને વિદેશી
બાબતો પર રશિયાના વલણને પ્રોત્સાહન આપવાનું નથી પરંતુ રશિયા અને વિશ્વ વિશે સાચી
માહિતી પ્રદાન કરવાનું છે.