નવી દિલ્હી, તા. 6 : કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ આરોપ
મૂક્યો હતો કે, મોદી સરકાર ઇતિહાસમાંથી પંડિત જવાહરલાલ નેહરુનાં નામને ભૂંસી દેવા માગે
છે. એમાં કોઇ શંકા નથી કે, નેહરુને બદનામ કરવા આજની
સત્તાનું મુખ્ય લક્ષ્ય છે. નેહરુનું અપમાન
મંજૂર નથી, તેવું તેમણે કહ્યું હતું. સોનિયાએ આરોપ મૂક્યો
હતો કે, જેના પર દેશ ઊભો છે, તેવા
નેહરુના સામાજિક, રાજકીય, આર્થિક
આધારને સરકાર કમજોર કરે છે. નેહરુ જેટલાં મોટાં વ્યક્તિત્વનાં જીવન અને કામોનું
વિશ્લેષણ, સમીક્ષા સ્વાભાવિક છે, તેવું
દિલ્હીમાં નેહરુ સેન્ટર ઈન્ડિયાના પ્રારંભ પ્રસંગે કોંગ્રેસ નેતા બોલ્યા હતા.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, નેહરુનું વ્યકિતત્વ ટૂંકું
કરવાની કોશિશ કેન્દ્રની મોદી સરકાર કરી રહી છે. નેહરુના બહુ આયામી વારસાને એકતરફી
નુકસાન કરવાના પ્રયાસો કોણ કરે છે, એ આપણને સાંભળીએ છીએ.
સોનિયાએ કહ્યું હતું કે, જેનાં કારણે મહાત્મા ગાંધીની હત્યા
થઇ એ વિચારધારાને પાળનારા લોકો આજે પણ સક્રિય છે.