નવી દિલ્હી, તા.6 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જ્યારે દુનિયામાં મંદીની વાતો થઈ રહી હોય છે
ત્યારે ભારત પ્રગતિની કથા લખે છે. તેમણે કહ્યું કે આજે દુનિયા અનિશ્ચિતતાથી ભરેલી
છે પરંતુ આ દૌરમાં પણ આપણું ભારત અલગ જ લીગમાં દેખાઈ રહ્યું છે. ભારત
આત્મવિશ્વાસથી ભરેલું છે. દુનિયામાં વિશ્વાસનો અભાવ દેખાઈ રહ્યો છે ત્યારે ભારત
વિશ્વાસનો ગુંબજ બન્યો છે. તેમણે કહ્યું કે હજુ થોડા દિવસ પહેલાં જ ભારતમાં બીજા
ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા સામે આવ્યા છે. આઠ ટકાથી વધુની જીડીપી સાથેનો
વિકાસદર આપણી પ્રગતિની નવી ગતિનું પ્રતિબિંબ છે. આ એક સ્પષ્ટ સંદેશ છે કે ભારત આજે
વૈશ્વિક અર્થવ્યવસ્થાનું વિકાસચાલક છે અને આ આંકડા ત્યારે આવ્યા છે કે જ્યારે વૈશ્વિક વિકાસ ત્રણ
ટકાની આસપાસ છે. જી-સાતની અર્થવ્યવસ્થા દોઢ ટકાની આસપાસ છે. એચટી લીડરશિપ સમિટમાં
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણા દેશમાં ઉચ્ચ ફુગાવાને લઈને ચિંતાઓ
વ્યક્ત થતી હતી આજે એ જ લોકો ફુગાવો નીચે ગયાની વાત કરી રહ્યા છે. ભારતની સિદ્ધિ
સામાન્ય બાબત નથી. એક નક્કર પરિવર્તન છે જે ભારત છેલ્લા એક દશકમાં લાવ્યું છે. આ
પરિવર્તન આશંકાઓના વાદળોને હટાવીને આકાંક્ષાઓના વિસ્તારનું છે એમ તેમણે કહ્યું
હતું.