• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

વિમાની કંપનીઓનાં મનસ્વી ભાડાં પર લગામ

નવી દિલ્હી, તા. 6 : ઇન્ડિગો એરલાઈન્સની સેવામાં કટોકટીનો શનિવારે પણ અંત આવ્યો ન હતો. સ્થાનિક ઉડાનોને ગંભીર અસર સાથે છેલ્લી સ્થિતિએ 11 મુખ્ય એરપોર્ટ પર 800થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હજારો મુસાફરની મુશ્કેલી અને ખાસ તો એરલાઇન્સ દ્વારા હાલમાં બેફામ ભાડાં વસૂલાતાં હોવાની ગંભીર ઘટનાઓ વચ્ચે સરકારે એરલાઇન્સ પર ભાડાં મર્યાદા લાદી છે અને તમામ રિફંડ રવિવારે સાંજ સુધી આપી દેવા આદેશ કર્યો હતો. સ્થાનિક હવાઈ ભાડાંમાં વધારા અંગે વધતી ફરિયાદો પર કાર્યવાહી કરતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે એરલાઇન્સ પર કામચલાઉ ભાડાં મર્યાદા લાદી અને ચાલુ વિક્ષેપ દરમિયાન ઉલ્લંઘન માટે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ઇન્ડિગોએ રાત્રે દાવો કર્યો હતો કે, હવે 95 ટકા નેટવર્ક કનેક્ટિવિટી બહાલ થઇ ગઇ છે. દરમ્યાન સમગ્ર ઘટનાક્રમ અંગે પીએમઓને પણ માહિતગાર કરાયું છે. ચાર દિવસમાં 2200થી વધુ ઉડાન ખોરવાઇ છે, સાથે ભાડાંમાં તોતિંગ વધારો કરાયાનો હોબાળો મચ્યો હતો. શનિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડાં મર્યાદા લાગુ કરતાં મનસ્વી ભાડાં વસૂલવાનો અંત આવ્યો હતો. જે મુજબ 500 કિ.મી. સુધીની સફરમાં વધુમાં વધુ રૂા. 7500, 500થી 1000 કિ.મી.માં મહત્તમ રૂા. 12000, 1000થી 1500 કિ.મી.માં રૂા. 15000 અને 1500થી વધુ કિ.મી.માં રૂા. 16000ની ભાડાં મર્યાદા લાગુ કરાઇ છે. ડીજીસીએ કાર્યવાહી કરી રહ્યું છે અને રોસ્ટર-સંબંધિત નિર્દેશો પાછા ખેંચી લીધા છે. પાઇલોટને આરામને લગતાં નિયમમાં ફેરફાર કર્યો છે. ડીજીસીએએ વધતા હવાઈ મુસાફરી દબાણ વચ્ચે તમામ પાઇલોટ યુનિયનોને સહયોગ માટે અપીલ કરી છે. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરે 1000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. 10થી 15 ડિસેમ્બર દરમિયાન સામાન્ય કામગીરી શરૂ થશે. અહેવાલો અનુસાર 11 એરપોર્ટ ઉપર 571 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેમાં ચેન્નાઈમાં 49, બેંગ્લુરુમાં 124, હૈદરાબાદમાં 69, પૂણેમાં 42, લખનઉમાં 8, તિરુવનંતપુરમમાં 9, મેંગ્લોરમાં 3, મુંબઈમાં 109, જયપુરમાં 13, અમદાવાદમાં 59 અને દિલ્હીમાં 86 ફ્લાઇટનો સમાવેશ થાય છે. સરકારે એરલાઇન્સ પર ભાડાંની મર્યાદા લાદી ઇન્ડિગો માટે એક મહત્ત્વપૂર્ણ આદેશ લાદ્યો છે. ઘરેલુ હવાઈ ભાડાંમાં વધારો થવાની વધતી ફરિયાદોના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે એરલાઇન્સ પર ભાડાંની મર્યાદા, એક કામચલાઉ ભાડાંની મર્યાદા લાદી છે. સરકારે ઇન્ડિગોને રવિવાર સાંજ સુધીમાં તેની રદ થયેલી ઉડાનો માટે ટિકિટની ચૂકવણી પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇન્ડિગો કટોકટીથી અસરગ્રસ્ત મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, જો તેઓ તેમની મુસાફરીની તારીખો અથવા સમય બદલશે તો કોઈ પણ રિશેડયાલિંગ ચાર્જ ન ભરે. સરકારે ઇન્ડિગોને રિફંડ સંભાળવા માટે એક અલગ સેલ સ્થાપવા જણાવ્યું છે. દરમ્યાન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને ચેન્નાઇમાં એરપોર્ટ પર યાત્રીઓ રાતભર ઉડાન અને પોતાના સામાન માટે પરેશાન દેખાતા હતા. છેલ્લા ચાર દિવસમાં બે હજારથી વધુ ઉડાનો રદ થઇ ચૂકી છે, તો રોજ સરેરાશ 500 ઉડાન વિલંબમાં પડી રહી છે. એક નિર્દેશમાં સરકારે કહ્યું હતું કે, અન્ય એરલાઇન કંપનીઓ હવાઇ સફરનાં ભાડાંની મર્યાદાનું કડક રીતે પાલન કરે. સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી આ મર્યાદા પાળવી પડશે.

Panchang

dd