• બુધવાર, 30 એપ્રિલ, 2025

આ વર્ષે સારા વરસાદનું શુભ અનુમાન

નવી દિલ્હી, તા.15 (પીટીઆઈ) : દેશમાં અત્યારથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ચોમાસું સારું રહેવાની પ્રથમ આગાહી હવામાન વિભાગ તરફથી આવી ગઈ છે.  પોતાના પહેલાં પૂર્વાનુમાનમાં ભારતીય હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે, આ ચોમાસામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે,એટલું જ નહીં, સમગ્ર મોસમ દરમિયાન અલ નિનોની સ્થિતિ પણ તટસ્તથ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં ચાર મહિનાના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે, જેમાં લાંબા ગાળાના સરેરાશના 105 ટકા વરસાદનો અંદાજ છે, એમ ભારતીય હવામાન વિભાગ આઈએમડી)ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.  ભારતીય ઉપખંડમાં સામાન્ય કરતાં ઓછા ચોમાસાના વરસાદ સાથે સંકળાયેલી અલ નિનોની સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. દેશના કેટલાક ભાગો પહેલેથી જ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં ગરમીનાં મોજાંના દિવસો નોંધપાત્ર રીતે વધુ રહેવાની અપેક્ષા છે. આનાથી પાવર ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસું મહત્ત્વપૂર્ણ છે, જે લગભગ 42.3 ટકા વસ્તીની આજીવિકાનો આધાર છે અને દેશના જીડીપીમાં 18.2 ટકા ફાળો આપે છે. કુલ ખેતીલાયક વિસ્તારનો બાવન ટકા ભાગ પ્રાથમિક વરસાદ-વાહક પ્રણાલી પર આધાર રાખે છે. પહેલો વરસાદ પીવાનાં પાણી માટે મહત્ત્વનાં જળસ્રોતને ભરવા માટે ચાવીરૂપ બની રહે છે અને તે સિવાય દેશભરમાં વીજઉત્પાદનમાં પણ તેની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. તેથી, ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી રાષ્ટ્ર માટે મોટી રાહત સમાન છે. હવામાન વિભાગ દ્વારા આ પહેલું અનુમાન છે, બીજું અનુમાન મે મહિનામાં આપવામાં આવશે જેમાં ચોમાસાંની સ્થિતિની વિસ્તૃત જાણકારી મળી રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd