નવી દિલ્હી,
તા. 22 : અમેરિકા
સાથે જારી ટેરિફ પર તાણ વચ્ચે ઓમાન બાદ હવે ભારતે ન્યૂઝીલેન્ડ સાથે સોમવારે મુક્ત વેપાર
કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આજે આ સંધિ
અંગે એલાન કરતાં કહ્યું હતું કે, આ કરારથી દેશના નિકાસકારો માટે દુનિયાની
સૌથી મોટી વસ્તીવાળી બજાર સુધી પહોંચવું સરળ બની જશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ
મંત્રી પીયૂષ ગોયલે જાણકારી આપતા કહ્યું હતું કે, ભારત-ન્યુઝિલેન્ડ
મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) ભારતના 100 ટકા
નિકાસ ઉપર ઝીરો ડયુટી સુનિશ્ચિત કરશે. જેનાથી કિસાનો, એમએસએમઈ, શ્રમિકો, કારીગરો,
મહિલા નેતૃત્વના ઉદ્યમો અને યુવાનોને સીધો લાભ મળશે. સાથે જ ટેક્સટાઈલ,
પરિધાન, લેધર અને ફૂટવેર જેવા શ્રમ પ્રધાન ક્ષેત્ર
માટે તક ખુલશે. પીયૂષ ગોયલના કહેવા પ્રમાણે આ સમજૂતી રોકાણને પણ મોટું પ્રોત્સાહન આપશે.
જેના હેઠળ ન્યુઝિલેન્ડે આગામી 15 વર્ષમાં
ભારતમાં 20 અબજ ડોલરના પ્રત્યક્ષ વિદેશી રોકાણને
સુવિધાજનક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર નવી મુક્ત વ્યાપાર સમજૂતી ન્યુઝિલેન્ડના નિકાસકારોને
ભારતમાં પોતાના ઉત્પાદન વેચવામાં ઘણી મદદ કરશે. મટન, ઊન, કોલસા, વનસ્પતિ ઉત્પાદન વગેરે ઉપર ટેકસ તરત ખતમ કરવામાંઆવશે.
કીવી, સફરજન વગેરે માટે ખાસ સુવિધાઓ છે અને માછલી જેવા સમુદ્રી
ઉત્પાદન ઉપર સાત વર્ષમાં ટેક્સ ખતમ કરવામાં આવશે. સમજૂતીમાં આર્થિક સેવા, ઈ પેમેન્ટસ અને ફિનટેક જેવા ક્ષેત્રને પણ ધ્યાને રાખવામાં આવ્યા છે. આ કરાર
હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારત આવતા 95 ટકા
સામાન પર ટેરિફ કાં તો ખતમ કરી દેવાયો છે અથવા ઘણો ઓછો કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે ટેલિફોનિક ચર્ચાના તે 10 વર્ષથી
અટકેલી મુક્ત વેપાર સંધિ નવ મહિનાની કવાયતના અંતે નક્કી થઈ છે. બન્ને નેતાઓએ વાતચીતમાં
મુક્ત વેપાર કરારને ઐતિહાસિક લેખાવ્યો હતો. પાંચ વર્ષમાં દ્વિપક્ષી વેપાર બમણો કરાશે
અને ન્યૂઝીલેન્ડ ભારતમાં 20 અબજ
ડોલરનું રોકાણ કરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર સમજૂતી માટે વાતચીત 10 વર્ષથી અટકેલી હતી. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં બન્ને
દેશોએ ફરીવાર ચર્ચા શરૂ કરી હતી. અમેરિકી ટેરિફને મચક નહીં આપતાં, ભારતે ઓમાન, યુએઈ બાદ વધુ એક દેશ સાથે આ કરાર કર્યો છે.
મુક્ત વેપાર કરારના પહેલાં દિવસથી જ એટલે કે, આજથી જ 50 ટકાથી વધુ સામગ્રી પર કોઈ જ વેરો નહીં લાગે. ન્યૂઝીલેન્ડથી
આયાત કરતાં કિવી તેમજ સફરજન જેવાં ફળો પર ટેરિફ ઘણો ઓછો લાગવાથી ઘરેલું બજારમાં ન્યૂઝીલેન્ડનાં
સસ્તાં ફળો મળવા માંડતાં ભારતીય ગ્રાહકોને ઘણો લાભ થશે. મુક્ત વેપાર સંધિ હેઠળ આવતીકાલ
મંગળવારથી ન્યૂઝીલેન્ડની અનેક વસ્તુઓ ભારતીય બજારમાં ઘણા સસ્તા ભાવે મળતી થશે. ભારતમાં
ગતિભેર વધતા મધ્યમ વર્ગ માટે વિદેશી ફળો, વાઈન અને અન્ય ડેરી પેદાશો ઘણી સસ્તી
થશે. ભારતની વધતી આર્થિક તાકાતને ધ્યાને લેતાં નવ મહિનાની વાટાઘાટના અંતે વેપાર સંધિ
કરનાર ન્યૂઝીલેન્ડની સરકારનું અનુમાન છે કે, 2030 સુધી ભારતીય અર્થવ્યવસ્થા લગભગ 12 લાખ કરોડ ન્યૂઝીલેન્ડ ડોલર એટલે કે, 627.21 લાખ કરોડ રૂપિયા જેટલી થઈ જશે. ભારતના વિદેશ મંત્રી
એસ જયશંકરે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, પીએમ નરેન્દ્ર
મોદી અને ન્યુઝિલેન્ડના પીએમ લક્સનના માર્ગદર્શનમાં સંપન્ન થયેલા ભારત-ન્યુઝિલેન્ડ
મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)એ ભાગીદારીને તીવ્ર વિકાસ પથ ઉપર અગ્રેસર કરી છે.