નવી દિલ્હી, તા. 17 : દિલ્હી-એનસીઆરમાં
સોમવારે વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો, તો બિહારના સિવાનમાં પણ ભૂકંપ આવ્યો હતો,
જેના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. રાહતની બાબત એ હતી કે, કોઈ જાનમાલને નુકસાન થયું નહોતું. બંને જગ્યાએ રિખ્ટર સ્કેલ પર તીવ્રતા
ચાર હતી. ભૂકંપના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શાંત રહેવાની અપીલ કરી
હતી. એક મીડિયા હેવાલ મુજબ, રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન
કેન્દ્રએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, દિલ્હી
એનસીઆરમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર
નવી દિલ્હી હતું અને ઊંડાઈ પાંચ કિલોમીટર હતી. ભૂકંપના કારણે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાજિયાબાદમાં લોકો ભયભીત
થયા હતા અને ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. જો કે, હજુ સુધી
જાનમાલને નુકસાનીના કોઈ હેવાલ સાંપડયા નથી.