• મંગળવાર, 26 નવેમ્બર, 2024

બે માસમાં કચ્છીઓની 725 કરોડની મૂડી સાફ !

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 24 : છેલ્લા બે મહિનામાં ભારતીય શેરબજારમાં છવાયેલા મંદીના માહોલને લીધે રોકાણકારોમાં માતમ ફેલાયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા મોટાપાયે વેચવાલી અને ક્યાંક શેરોના ઓવરવેલ્યુએશન સહિતનાં પરિબળોને લીધે બે માસમાં જ સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત મધ્યમવર્ગ જેમાં સારું રોકાણ કરે છે એ મ્યુચ્યુઅલ ફંડની અલગ અલગ કેટેગરીમાં 9થી 10 ટકાનો મોટો કડાકો બોલી જતાં લોકોની લાખો કરોડો રૂપિયાની મૂડી ધોવાઈ ગઈ છે. કચ્છમાં પણ થોડા સમય પહેલા મ્યુચ્યુઅલ ફંડ અને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)ની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) એટલે કે વર્તમાન બજાર મૂલ્ય સહિતનું કુલ રોકાણ લગભગ રૂ.7પ00 કરોડ છે અને 20 સપ્ટેમ્બર બાદથી બે મહિનામાં કચ્છના ઈન્વેસ્ટરોની પણ લગભગ રૂ. 72પ કરોડની મૂડી સાફ થઈ ગઈ છે! જે લોકો ઘણા સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તેમના માટે નફામાં નુકસાન જેવી સ્થિતિ છે પણ જેમણે હજી થોડા સમય પહેલાં જ નાણાં રોક્યા છે તેમના માટે રાતા પાણીએ રડવા જેવો તાલ સર્જાયો છે. એ ઉપરાંત શેરબજારમાં ઈન્ટ્રા ડે સોદા અને ડબ્બા ટ્રેડીંગમાં પણ તાજેતરના મોટા કડાકાઓની વિપરીત અસર જોવા મળી છે. ઈન્ટ્રા ડેમાં તો, જો કે, તેજી અને મંદી બંનેની ગણતરી સાથે બે બાજુ સોદા થતા હોય છે પણ સૂચકાંકોમાં સતત ઘટાડાને લીધે કચ્છમાં પણ વ્હાઈટ અને બ્લેક બંનેમાં થતો રોજનો રૂ.200 કરોડનો કારોબાર ઘટીને રૂ.18પ કરોડ પર આવી ગયો હોવાનું જાણકાર વર્તુળો કહે છે. શેરબજારના નિષ્ણાતો એવો અભિપ્રાય આપી રહ્યા છે કે બજારમાં હજી થોડો સમય મંદી રહી શકે છે, પણ પછી ફરી તેજી આવશે અને યોગ્ય શેર લેનારાઓને વાંધો આવવાનો નથી. બાકી અત્યારે તો થોભો અને રાહ જુઓ બહેતર છે. સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થયો ત્યારે શેરબજારોમાં ફૂલગુલાબી તેજી હતી, રોકાણકારો ખુશખુશાલ હતા, પણ તેમને અંદાજ નહોતો કે આગળ ઘટાડાનો ભયાનક દૈર આવી રહ્યો છે. એફઆઈઆઈ દ્વારા નાણા ઉપાડવાની શરૂઆત કર્યા બાદ મધ્યપૂર્વના ઘર્ષણો અને ભારતની બજારમાં ઓવરવેલ્યુએશન જેવા પરિબળોને લીધે બીએસઈ સેન્સેક્સ 8પ000થી 78000 સુધી, તો નિફ્ટી 26000થી 23પ00 સુધી ઘટી ગયો. એ જ રીતે લાર્જ કેપ ઈન્ડેક્સ 10000થી 9100થી 9200, મિડકેપ 49પ00થી 44600 અને સ્મોલ કેપ પ7000થી ઘટીને પ2પ00 સુધી ઉતરી જતાં  રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. કચ્છમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને 20 નવેમ્બર સુધી રૂ.725 કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું હોવાનો અંદાજ છે. જિલ્લામાં અમુક સમય પહેલાં સુધી મ્યુચ્યુઅલ ફંડનું એયુએમ લગભગ રૂ.6400 કરોડ સુધી પહોંચી ગયું હતું તો એસઆઈપીમાં પણ લગભગ રૂ.1100 કરોડનું એયુએમ થઈ ગયું હતું. કચ્છમાં મ્યુચ્યુઅલ ફંડની મોટી કહેવાય તેવી એચડીએફસી, આઈસીઆઈસીઆઈ સહિતની લગભગ તમામ મોટી એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)ની ઓફિસો મોજૂદ છે. બાકી શેરોમાં ઈન્ટ્રા ડે સોદામાં બહુ મોટી રીતે રોકાણકારો ધોવાયા હોય એવું નથી. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર તેજીવાળાને ફટકા પડયા છે, પણ એકંદરે  રોજીંદા સોદા કરનારાઓ પૈકી મોટો વર્ગ તેજી અને મંદી બંને તરફ રમતો હોય છે. એટલે બહુ વાંધો આવતો નથી, પણ નુકસાન તો છે જ. વળી, હવે માર્જીન વગર સોદા થતા નથી એટલે રોકાણકારો મોટા પાયે તૂટી પડે અને ક્યાંક પેઢી બંધ કરીને ગાયબ થઈ જાય તેવા બનાવો હાલ નોંધાયા નથી.  ડબ્બા ટ્રેડીંગ અગાઉની તુલનાએ ઘટયું છે પણ હજીય થાય છે અને ખાસ કરીને નિફ્ટીમાં ડબ્બાના સારા સોદા થાય છે. અગાઉ અમુક બોલ્ટ પર ડબ્બા ટ્રેડીંગ થતું, પણ હવે તો મોબાઈલ અને લેપટોપ જેવા ઉપકરણોમાં જ અમુક રોકાણકારો પોતાના કાળાં નાણાંથી સોદા કરે છે. તેમને આઈડી આપી દેવાય છે.  હાલ તો શેરદલાલો પણ સાવચેત બન્યા છે અને અગાઉથી માર્જિન પર ભાર મૂકવામાં આવે છે. જાણીતા શેરનિષ્ણાત રેલીટ્રેડના અશોક સંઘવી કહે છે કે જેમણે અભ્યાસ વિના અયોગ્ય શેરો-ક્રિપ્ટમાં રોકાણ કર્યું છે અને આંધળુકિયાં કર્યાં છે તેમને નુક્સાન ગયું છે, પણ બજારમાં થોડા સમય બાદ ફરી તેજી આવવાની જ છે અને જેમણે યોગ્ય શેરોમાં કે ફંડમાં નાણાં રોક્યાં છે તેમને વાંધો આવશે નહીં. આપણી બજારનો આધાર મજબૂત છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang