જેદ્દાહ (સાઉદી
અરબ), તા.2પ : આઇપીએલ-202પ સીઝન અગાઉની મહાહરાજીના આજે બીજા દિવસે ઝડપી બોલરો લાવલાવ
થયા હતા. ટીમ ઇન્ડિયામાંથી લાંબા સમયથી બહાર થઇ જનારો ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર આજનો
સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને આરસીબીએ 10.7પ કરોડની બોલી લગાવી ખરીદ્યો હતો. જયારે
દીપક ચહર 9.2પ કરોડની કિંમત સાથે મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં સામેલ થયો છે. બિહારના 13
વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ સર્જી આઈપીએલ ટીમનો ભાગ બનનારો સૌથી યુવા ખેલાડી બન્યો
હતો. બે દિવસમાં 10 ટીમોએ 639.15 કરોડના ખર્ચે
182 ખેલાડી ખરીદ્યા હતા. ટેસ્ટ ફોર્મેટના ફાસ્ટ બોલર આકાશદીપને ખરીદવા માટે લખનઉ સુપર
જાયન્ટસ ટીમે 8.00 કરોડનો ખર્ચ કર્યો હતો. મુકેશકુમારને પણ 8.00 કરોડનો ચાંદલો થયો
હતો. તે દિલ્હી કેપિટલ્સ તરફથી ફરી રમશે. તેને રાઇટ ટૂ મેચ કાર્ડથી દિલ્હી ટીમે પોતાની
ટીમમાં સામેલ કર્યો હતો. આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાનસનને ધારણાથી ઓછી કિંમત
7.00 કરોડ મળી હતી. તે હવે પંજાબ કિંગ્સ તરફથી બોલિંગ કરશે. જ્યારે તુષાર દેશપાંડે
6.પ0 કરોડમાં રાજસ્થાન ટીમનો હિસ્સો બન્યો છે. ઓસ્ટ્રેલિયન યુવા બોલર સ્પેન્સર જોહસન
માટે કેકેઆરે 2.80 કરોડ ચૂકવ્યા હતા. ઝડપી બોલરોની માંગ વચ્ચે ભારતનો ઓલરાઉન્ડર શાર્દુલ
ઠાકુર, બાંગલાદેશનો મુસ્તાફિઝુર રહેમાન, ટીમ ઇન્ડિયાનો એક સમયનો સ્પીડસ્ટાર ઉમરાન મલીક
અને અનુભવી ઉમેર યાદવનો ભાવ પૂછાયો ન હતો. જો કે હરાજીના અંતમાં તેમની બેઝ પ્રાઇસ કોઇ
પણ ફ્રેંચાઇઝી તેમની ખરીદી કરી શકે છે. 36 વર્ષીય ઇશાંત શર્મા માટે ગુજરાત ટાઇટન્સે
1 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે નવોદિત ઝડપી બોલર ગુરજનપ્રિત સિંઘ માટે ધોનીની ટીમ સીએસકેએ
2.2 કરોડની બોલી લગાવી ખરીદ કર્યો હતો. સૌરાષ્ટ્રનો રણજી ટ્રોફી કપ્તાન જયદેવ ઉનડકટ
તેની બેઝ પ્રાઇસ 1 કરોડ સાથે ફરી સનરાઇઝર્સ તરફથી રમશે. હરાજીની શરૂઆતમાં ન ખરીદાયેલા
અજિંક્ય રહાણેએ વાપસી કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સનો 1.50 કરોડમાં હિસ્સો બન્યો હતો.
કેન વિલિયમ્સન, સ્ટીવન સ્મિથ, મોઇન અલી, પૃથ્વી શો, આદિલ રશીદ, મયંક અગ્રવાલ, કેશવ
મહારાજ, ગ્લેન ફિલિપ, ડેરિલ મિચેલ, સિકંદર રઝા, મુજીબ ઉર રહેમાન જેવા મોટા ખેલાડી અનસોલ્ડ
રહ્યા હતા. બીજી તરફ 17 વર્ષના અફઘાન મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગજનફરને 4.80 કરોડની લોટરી
લાગી હતી. તેના પર મુંબઇ ઇન્ડિયન્સે આખરી બોલી લગાવી હતી. જયારે સ્પિન ઓલરાઉન્ડર કુણાલ
પંડયા પ.7પ કરોડ સાથે વિરાટ કોહલી સાથે રમશે. 2023ની સીઝનમાં શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં
કેકેઆરની કપ્તાની કરનાર નીતિશ રાણાના 4.20 કરોડ ઉપજયા હતા. તે હવે રાજસ્થાન ટીમ તરફથી
રમશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવનાર મુશીર ખાન 30 લાખની બેઝ પ્રાઇસ સાથે પંજાબ
ટીમમાં સામેલ થયો હતો. તે સરફરાજ ખાનનો નાનો ભાઇ છે. સરફરાજ ખાન વેચાયો ન હતો. મેગા
ઓક્શનના ગઇકાલે પહેલા દિવસે 10 ફ્રેંચાઇઝીએ 467.9પ કરોડ રૂપિયામાં 72 ખેલાડી ખરીદ કર્યાં
હતા. જેમાં ઋષભ પંત માટે આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી 27 કરોડની બોલી લગાવીને લખનઉ ટીમે
ખરીદ કર્યો હતો. દિલ્હી પ્રીમિયર લીગમાં 6 દડામાં 6 છક્કા મારનાર પ્રિયાંશ આર્યને
3.80 કરોડમાં પંજાબ ટીમે ખરીદ્યો હતો.