ગાંધીધામ, તા.
25 : અહીંની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય
ખ્યાતિપ્રાપ્ત અર્થતંત્ર અને ટેકસેશનના જાણકાર વકતાના વકતવ્યનું આયોજન કરાયું હતું.
આ વેળાએ વકતાએ સ્વાવલંબી ભારત -2047 બાબતે વિસ્તૃતમાં વાત કરી હતી. આરંભમાં ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુજે સૌને આવકારતાં જણાવ્યું હતું કે વર્ષ 2047માં
ભારત આઝાદીના 100 વર્ષ પુરા કરશે ત્યારે સમગ્ર વિશ્વમાં દેશ આત્મનિર્ભરતાનાં લક્ષ્ય
સાથે દુનિયાનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. આ લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં
અનેક પડકારો અને તકો હોય છે. સરકાર બ્લુ ઈકોનોમીને પ્રાધાન્ય આપીને સંરક્ષણ, ફાર્મા,
કૃષિ જેવા અગત્યના ક્ષેત્રોને વેગ આપવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે. કચ્છમાં ચાર નાના મોટા પોર્ટ હોવાના કારણે તેનો
લાભ મળશે. કાર્યક્રમના મુખ્ય વકતા અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધનપતરામ અગ્રવાલે
ગાંધીધામ ચેમ્બરની કાર્યવાહીની પ્રશંસા કરી 2047માં સ્વાવલંબી અને વિકસીત ભારત કેવું
હોવું જોઈએ અને રાષ્ટ્રને કઈ રીતે વૈભવશાળી બનાવી શકાય તે બાબતે વિગતવાર માહિતી
આપી હતી. આપણું રાષ્ટ્ર 1757થી અગાઉના હજારો વર્ષ સુધી કુલ જી.ડી.પી.નો 30 ટકા હિસ્સો ધરાવતું
હતું, પરંતુ બ્રીટીશ શાસન બાદ દેશનો જી.ડી.પી. માત્ર 2.5 થી 3 ટકા સુધી નીચે આવી ગયો. રાષ્ટ્રની સફળતા માટેના ત્રણ સંશાધનો પ્રાકૃતિક,
પુંજીગત અને માનવ સંશાધનોના મહતમ યોગદાનથી જ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે તેવું તેમણે જણાવ્યું
હતું. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે 18મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી પ્રાકૃતિક
સંશાધનોની માન્યતા ઘટી અને તેનાથી ઉપનિવેશવાદ, આર્થિક અસમાનતા અને ગ્લોબલ વોર્મિંગ
જેવી સમસ્યાઓનો પણ ઉદભવ થયો. આવા સમયમાં ભારતને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવામાં બૌદ્ધિક
સંપદાના ક્ષેત્રને પ્રાધાન્ય આપી દેશના વિપુલ માનવ સંશાધનોનો મહતમ લાભ લઈ દેશની યુવાશક્તિને
સંશોધન અને વિકાસમાં વિશ્વની સરખામણીએ નોંધપાત્ર પ્રદાન કરવું પડશે તેવું તેમણે ઉમેર્યું
હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રાથમિકતાથી લઈને ટોચ
સુધીની શિક્ષણ પ્રથા, બૌદ્ધિક સંપદામાં વધુમાં વધુ અસરકારક યોગદાન આપી શકે તે સુનિશ્ચિત
કરવું પડશે. સંચાલન કરતા કારોબારી સમિતિના કૈલેશ ગોરે જણાવ્યું હતું કે ગાંધીધામ ચેમ્બરે
અગાઉ તોલાણી કોમર્સ કોલેજ
અને ટીમ્સ કોલેજ સાથે સંકલન સાધીને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરની સ્થાપના કરીને આ ક્ષેત્રમાં
મહત્વનું યોગદાન આપ્યું છે. આગામી સમયમાં સ્વાવલંબી ભારતમાં ચેમ્બર પૂર્ણ યોગદાન આપશે
તેવી નેમ તેમણે વ્યકત કરી હતી. માનદમંત્રી મહેશ તિર્થાણીએ પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું
હતું કે હાલમાં કંડલા, મુંદરા જેવા મહાબંદરો
ઉપર સપ્લાય થતા ઈંધણો ઉપર 4 અને 18 ટકા જેટલો જીએસટીનો દર છે. જેથી હજારો જહાજો નજીકના યુએઈ બંદરો કે જયાં આ વેરો નથી ત્યાં
જાય છે. જો ઈંધણને જીએસટી ઉપરથી મુકિત અપાય તો દેશનું મહામૂલુ વિદેશી હુંડીયામણ વધી શકે તેમ છે. આ વેળાએ સ્વદેશી જાગરણ મંચના પ્રદેશ
સંગઠન મંત્રી મનોહરલાલ અગ્રવાલ, સૌરાષ્ટ્ર પ્રાંતના સહ સંયોજક જીતેન્દ્રસિંહ સોલંકી,
લઘુ ઉદ્યોગભારતીના પુર્વ પ્રમુખ કીરણ આહીર ચેમ્બરના પુર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, નમક
ઉદ્યોગકાર મદનલાલ નાહટા, વુમન વિંગના વૈભવી કૈલેશ ગોર, વિદ્યાર્થીઓ, સંકુલના ઉદ્યોગકારો
જોડાયા હતા.