• મંગળવાર, 26 નવેમ્બર, 2024

રશિયા-યુક્રેન યુદ્ધ વકર્યું : શાંતિના પ્રયાસોની જરૂર

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા અરસાથી ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવાના બદલે વધુ વકરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને યુક્રેનને લાંબા અંતરની અમેરિકી મિસાઇલ વાપરવાની છૂટ આપ્યા પછી રૂસી રાષ્ટ્રપતિ પુતિન ભડક્યા છે. તેમણે અણુશત્રોના ઉપયોગ માટે નિયમ બદલીને છૂટછાટ મેળવી લીધી છે. પુતિનની અમેરિકા-નાટો દેશોને સીધી ધમકી છે કે, રશિયા પર લાંબા અંતરની વધુ મિસાઇલ ખાબકશે તો તે પરમાણુ હુમલો કરતાં અચકાશે નહીં. યુક્રેનના પૂર્વ વિભાગના લશ્કરી વડાએ  દાવો કર્યો છે કે, એકથી વધુ દેશોની સેના યુદ્ધમાં જોતરાઇ? ચૂકી છે એ જોતાં ત્રીજાં વિશ્વયુદ્ધનું મંડાણ થઇ ચૂક્યું છે એમ માની શકાય. યુક્રેને  એવો દાવો કર્યો છે કે, રશિયાએ તેના નિપ્રો શહેર પર આંતરખંડીય-ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલથી હુમલો કર્યો. સામી બાજુ રશિયાનું કહેવું છે કે, યુક્રેને અમેરિકા તરફથી મળેલી લાંબા અંતરની પાંચ મિસાઇલ તેના વિસ્તાર પર દાગી જેમાંથી પાંચ મિસાઇલ આંતરીને  તોડી પાડી હતી. યુક્રેન અને અમેરિકાના અધિકારીઓએ આ વાતને સમર્થન આપ્યા પછી દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે. તનાવ વધ્યા પછી ત્રણ દેશો નોર્વે, ફિનલેન્ડ અને ડેન્માર્કે યુદ્ધનું એલર્ટ જારી કરીને પોતાના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ રાખવા અને પોતાના સૈનિકોને યુદ્ધ માટે સજ્જ રહેવા કહ્યું છે. આ દેશોની સરહદ રશિયા અને યુક્રેનને અડીને આવેલી છે. જો પરમાણુ હુમલો થાય તો  ત્રણે દેશને અસર થવાની સંભાવના છે. સ્વીડને પોતાના બાવન લાખથી વધુ નાગરિકોને અણુ યુદ્ધના સંજોગોમાં વિકિરણથી બચવા માટે ઉપયોગમાં લેવાનારી આયોડીનની ગોળીઓ રાખવાનો નિર્દેશ કર્યો છે. યુદ્ધની સ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે. અમેરિકાએ યુક્રેનની રાજધાની કીવમાં પોતાનો દૂતાવાસ બંધ કર્યો છે. જર્મનીએ નાટોના આઠ લાખ સૈનિકોના એકત્રીકરણની યોજના બનાવી છે. ટૂંકમાં માહોલ એકદમ વિસ્ફોટક છે. યુક્રેને લાંબા અંતરની છ મિસાઇલ રૂસ પર દાગ્યા પછી રશિયાએ તેને અમેરિકાના સીધા હુમલા તરીકે લીધું છે. એ પછી પુતિને ન્યૂક્લીયર ડોકિટ્રનમાં ફેરફાર કર્યા છે. પુતિન કંઇક મોટું-ભયાનક કરવાના છે એવી ભીતિ સેવાઇ રહી છે. અમેરિકાએ ગઇ 17મી નવેમ્બરે લોંગ રેન્જ મિસાઇલ વાપરવાની મંજૂરી આપી હતી. રશિયન વિદેશમંત્રી સરગેઇ લાવરોએ કહ્યું હતું  કે, યુક્રેનના આ હુમલાનો સીધો અર્થ પશ્ચિમી દેશો લડાઇને વધુ વધારવા માગે છે એવો થાય છે. રશિયાનું એવું પણ કહેવું છે કે, યુક્રેન અમેરિકાની મદદ વગર આ મિસાઇલો લોન્ચ ન કરી શકે. એનો સીધો અર્થ છે કે, યુ.એસ. તેની સામે ઊભું છે અને એનો જવાબ આપવાનો અધિકાર બાધ્ય છે. રશિયાએ એ પછી યુક્રેન પર આંતરખંડીય,  કિન્જલ હાઇપરસોનિક મિસાઇલો દાગી છે. 7 કેએચ-101 ક્રૂઝ મિસાઇલ પણ છોડી છે. રશિયાએ ગયા મહિને જ કહ્યું હતું કે, જો નાટો દેશોના હથિયારોનો તેની જમીન પર ઉપયોગ થશે તો એને ત્રીજાં વિશ્વ યુદ્ધની શરૂઆત માની લેવામાં આવશે. આ બહુ ભયાવહ વાત છે. વિશ્વ સમુદાયે હવે જાગૃત થવાની જરૂર છે. બંને યુદ્ધગ્રસ્ત દેશોને એક મંચ પર લાવવાનો પ્રયત્ન થવો જોઇએ. યુદ્ધનો અંત નહીં આવે તો ઉત્પન્ન થનારો સિનારિયો ન માત્ર રૂસ કે યુક્રેન બલ્કે સમગ્ર દુનિયા માટે ઘાતક હશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang