માતાના મઢ (તા. લખપત), તા.
25 : અહીંની ગ્રામ પંચાયત દ્વારા વગર નોટિસે માત્ર એક જ વ્યક્તિનું ચોથી વખત દબાણ હટાવાતાં
તે પરિવાર બેરોજગાર બન્યો છે. છેલ્લા 35 વર્ષથી ચાની કેબિન રાખી માતાના મઢે પરિવારનું
ગુજરાન ચલાવતા પ્રવીણભાઈ વાળંદનું દબાણ મઢ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા હટાવવામાં
આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં આ એક જ દબાણકર્તાનું દબાણ ચોથી વખત તંત્ર દ્વારા હટાવાતાં
આ પ્રવીણભાઇ બેરોજગાર બન્યા છે. જ્યાં પણ તેઓ ચાની રેંકડી કે કેબિન રાખે ત્યાંથી તંત્ર
તેમને તગડી મૂકે છે. પોલીસને સાથે રાખી આ એક જ વ્યક્તિનું દબાણ શા માટે હટાવવામાં આવે
છે, શું બીજા દબાણકર્તાઓ તંત્રને દેખાતા નથી ? એવા સવાલો ઊઠી રહ્યા છે. પ્રવીણભાઇએ
જણાવ્યું હતું કે, 20 વર્ષથી હું હિંગલાજ મંદિર પાસે કેબિન રાખી ચાની હોટેલ ચલાવતો
હતો, ત્યાંથી મને હટાવવામાં આવ્યો હતો. ઘરનું ગુજરાન ચલાવવા હું ક્યાંય પણ ધંધો કરવા
બેસું ત્યાંથી મને હટાવવામાં આવ્યો છે. આજે ચોથી વખત મારી રેંકડી કેબિન હટાવવામાં આવી
છે. હવે હું હોટેલ ક્યાં ચલાવીશ ? મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ ? એ મોટો
પ્રશ્ન છે. આ બાબતે મા. મઢ ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી મોડિયાને પૂછતાં તેઓ આવું
દબાણ આજે હટાવવામાં આવ્યું છે તે વાતથી તેઓ અજાણ છે તેવું જણાવ્યું હતું. શું ગ્રામ
પંચાયતે આ દબાણકર્તાને નોટિસ આપી છે ખરી ? તેવો સવાલ પૂછતાં તેમણે નોટિસ અત્યારે કોઇને
આપી નથી તેવું જણાવ્યું હતું. આ વિશે તલાટીનો સંપર્ક ન થતાં શા કારણે એક જ વ્યક્તિનું
દબાણ હટાવાયું તે સ્પષ્ટ થયું નથી.