અંજાર, તા.
25 : ઠંડીનો ચમકારો શરૂ થતાં જ ચોર ટોળકીઓ ફરી સક્રિય બની રાત્રિના ભાગે પોતાના નિશાન
પાર કરવા સાધનો સાથે નીકળી પડતી હોય છે, ત્યારે અંજાર અને આસપાસની સોસાયટીઓ અગાઉ પણ
વારંવાર ચોરીનો ભોગ બની ચૂકી છે, ત્યારે આવી ચોર ટોળકી આતંક મચાવવા ફરી સક્રિય બની
હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. અંજારમાં આવેલા સહજાનંદ પાર્ક, પ્રભાતનગર તેમજ તેની
આજુબાજુના વિસ્તારને ચોરી કરતી ગેંગ દ્વારા નિશાન બનાવાયા હોય એમ વારંવાર ચોરીના બનાવો
બનતા જોવા મળ્યા છે. આ વિસ્તારમાં જ છેલ્લે ઓગસ્ટ મહિનામાં ચોરીનો બનાવ બન્યો હતો,
જેની એફ.આઇ.આર. નોંધ અંજાર પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી, ત્યારબાદ નવરાત્રિના
સમયે પણ આ જ વિસ્તારમાં આવો જ બનાવ બન્યો હતો. આ જ ગેંગ એક દિવસ અગાઉ ફરીથી આ જ વિસ્તારમાં
કોઈ ગેરપ્રવૃત્તિના આશયથી હથિયારો સાથે આવી હતી, પરંતુ ત્યાંના રહેવાસીઓની જાગૃતતાના
કારણે નિષ્ફળતા સાથે ભાગવું પડ્યું હતું. આ અંગેની જાણકારી સહજાનંદ પાર્ક, પ્રભાતનગર,
કૈલાસનગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગરના રહેવાસીઓ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં એક અરજી
પણ આપવામાં આવી છે. આ બનાવો ન બને તેના માટે યોગ્ય કાર્યવાહી કરવા લોકોની માંગ છે.