ઢાકા, તા. 25
: બાંગલાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારના વધુ એક ઘટનાક્રમમાં વિરોધ પ્રદર્શન
કરવા બદલ ઇસ્કોનના પ્રમુખ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ કરાઇ હતી. બાંગલાદેશના મીડિયા
અહેવાલ અનુસાર પ્રભુની ઢાકા વિમાન મથક પરથી દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાઇ હતી. પ્રભુએ
બાંગલાદેશના રંગપુરમાં હિન્દુઓનાં સમર્થન માટે રેલી યોજી હતી તથા મોહમ્મદ યુનુસની વચગાળાની
સરકાર સતત લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બાંગલાદેશ નેશનલ
પાર્ટી (બીએનપી)ના સહયોગથી જમાત - એ - ઇસ્લામીના કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્કોન ભક્તોની
હત્યા કરવા માટે ધમકી અપાઇ રહી છે. એવા ચિન્મય કૃષ્ણદાસના આક્ષેપને કારણે તેમને ધમકી
અપાઇ રહી છે. બાંગલાદેશના મહેરપુરમાં ઇસ્કોન મંદિર પર હુમલા બાબતે ચિંતા સેવતાં ચિન્મય
કૃષ્ણદાસે કહ્યું હતું કે, ચટગાવનાં ત્રણ મંદિર અસુરક્ષિત છે, પરંતુ, હિન્દુ સમુદાયના
કેટલાક લોકોએ મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સાથે મળીને હજી સુધી મંદિરોને બચાવી રાખ્યાં
છે. લઘુમતી હિન્દુઓ અસુરક્ષિત અનુભવીને પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાના માર્ગેથી ભારત
પરત જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને ચિન્મય કૃષ્ણદાસ પ્રભુ પર બાંગલાદેશની
સરકારે દેશદ્રોહનો આક્ષેપ લગાવ્યો હતો તથા હિન્દુ સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ પર
પણ કેસ દાખલ થયા હતા.