• મંગળવાર, 26 નવેમ્બર, 2024

વિજયનો ઉન્માદ અને પરાજયનો પ્રકોપ ભડકે નહીં એવી અપેક્ષા

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : મહારાષ્ટ્રમાં મહાભારતની શરૂઆત - રાજગાદીના વિવાદથી શરૂ થઈ હતી. ચૂંટણીનાં રણમેદાન - કુરુક્ષેત્રમાં મતદારોએ ભાગ ભજવ્યા પછી હવે મહારાષ્ટ્રની રાજધાની - મુંબઈમાં મુખ્યપ્રધાન - સત્તાધીશ અંગે નિર્ણય લેવામાં અને લેવાયા પછી રાજ્યમાં શાંતિ અને વિકાસની આશા રાખી શકાય ? ચૂંટણીજંગમાં ઉત્પાત અને બિન - સંસદીય શાબ્દિક યુદ્ધ પછી હવે વિજયનો ઉન્માદ અને પરાજયનો પ્રકોપ ભડકે નહીં એવી અપેક્ષા છે ! સત્તાવાર પરિણામ જાહેર થયા પછી મુખ્યપ્રધાનપદ કોને મળે છે તે જોવાનું છે. મતદાન પછીનાં પ્રાથમિક અનુમાન પછી ટકાવારી વધી હોવાની જાહેરાત થઈ છે. મુખ્ય પક્ષોના બળવાખોર ઉમેદવારો પણ જીત્યા હોવાની ધારણા છે. જો મહાયુતિ - ભાજપ, શિંદે સેના અને અજિત પવારના પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન ખરું પડી રહ્યું છે ત્યારે મુખ્યપ્રધાન કોણ બને તે પ્રશ્ન છે. શક્યતા દેવેન્દ્ર ફડણવીસની પસંદગીની છે. એમને અધવચ્ચે મુખ્યપ્રધાનપદ છોડવું પડયું હતું. અજિત પવારના પ્રવેશ અને શપથવિધિ પછી પણ દેવેન્દ્રની સરકાર ટકી નહોતી. મતદાન સંપન્ન થયા પછી એમણે નાગપુરમાં સંઘ પરિવારના વડા ભાગવતજીની મુલાકાત લઈને આભાર માન્યો, આશીર્વાદ લીધા, તેથી એમના દાવાને સંઘ પરિવારના આશીર્વાદ મળ્યા છે, એમ મનાય છે. એકનાથ શિંદે મૂળ શિવસેનાના દાવેદાર છે. એમની લાડકી બહીણ યોજનાએ મહિલાઓના વોટ મેળવ્યા છે અને બાળાસાહેબ ઠાકરેનાં નામનો લાભ - હક મેળવ્યો છે, તેથી દાવેદાર ગણાય. એમના ટેકેદારો - શિંદે સેના એમનાં નામ ઉપર જીતી છે. હવે એકનાથ - અમારા નાથ - કહીને શિંદે જ્યાં હશે ત્યાં એમની સાથે રહેવાની જાહેરાત કરી છે. શિંદે બગાવત નહીં કરે એમ મનાય છે. સંજોગોમાં દેવેન્દ્રને કેન્દ્રમાં સ્થાન મળે - મળશે એવા અહેવાલ હતા. હવે ફરીથી શક્યતા ચર્ચાય છે. મહાયુતિના ભાગીદાર પક્ષોના નેતાઓ - એકનાથ શિંદે અને અજિત પવાર સાથે ભાજપના વરિષ્ઠ નેતા - અમિત શાહ - જરૂર જણાય તો નવી દિલ્હીમાં ચર્ચાવિચારણા કરીને નિર્ણય કરશે. ભાજપનાં વરિષ્ઠ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાનપદનો નિર્ણય કયા પક્ષને વધુ બેઠકો મળી છે તેના આધારે નહીં લેવાય, પણ રાજકીય ગણતરી - સ્થિરતા, વિકાસ અને પ્રતિષ્ઠાના આધારે લેવાશે. બીજી છાવણીમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય દાવેદાર હતા, પણ હવે પ્રશ્ન જ નથી. મુખ્યપ્રધાનપદનાં અઢી વર્ષનો દાવો ભાજપ - સેનાનાં ભંગાણનાં મૂળમાં હતો અને એમને અન્યાય થયાનો મુદ્દો ચૂંટણીમાં હતો. મુખ્યપ્રધાનપદના ઉમેદવારનું નામ ચૂંટણી પહેલાં જાહેર થવું જોઈએ એવો એમનો આગ્રહ હતો, પણ પછી છોડવાની ફરજ પડી. કોંગ્રેસના સભ્યો પણ કોંગ્રેસી સરકારની માગણી કરી રહ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો - મહારાષ્ટ્રના ભીષ્મ પિતામહ શરદચન્દ્ર પવાર આખરે સમાધાન કરાવશે એવી આશા હતી. હવે વિપક્ષી નેતાનું પદ કોને મળશે ? શરદચન્દ્ર પવારે રાજસંન્યાસની જાહેરાત કરી છે તેથી હવે એમની જવાબદારી મર્યાદિત હશે એમ મનાય છે. ચૂંટણીમાં ધારાવીનાં નવનિર્માણનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકીની અવળી અસર પડી તે માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર છે. રાજ્યના નવા - કે જૂના મુખ્યપ્રધાનની જવાબદારી મહારાષ્ટ્રની પ્રતિભા અને પ્રતિષ્ઠા પાછી મેળવવાની હશે. રાજકીય સ્પર્ધામાં ભડકાઉ ભાષણોથી જગાવાયેલાં વેર - ઝેર હવે ભુલાશે? સેક્યુલરવાદનાં નામે - બહાને વોટ - જેહાદના ફતવા નીકળ્યા અને ધર્મયુદ્ધ થવાના શંખનાદ થયા. કોંગ્રેસપ્રમુખે યોગીની ભૂમિકા અને ભગવા વત્રની ટીકા કરી. 2014માં ટોપી અને તિલકનો વિવાદ હતો - તેની બીજી આવૃત્તિ થઈ. હિન્દુ - મુસ્લિમ વોટ બેન્કના વિવાદ થયા, પણ સત્તાવાર આંકડા અનુસાર - મુસ્લિમ મતદાતાઓએ વિકાસ અને નાણાકીય રાહત - યોજના - મહિલા સન્માનની યોજનાને પણ દાદ આપી છે. મરાઠી - ગુજરાતીનો વિખવાદ - ફળદાયી બન્યો નથી, પણ ગુજરાતીઓ વોટ આપવા નીકળ્યા અને હાજરી નોંધાવી. મહારાષ્ટ્ર - મુંબઈમાં ગુજરાતીઓ ભાજપના સમર્થક હોય તો તે માત્ર રાજકારણ નથી - આર્થિક વિકાસ પણ મુખ્ય છે. ગુજરાતી યોગદાન છે અને રહેશે, પણ ગુજરાતી દ્વેષ - દ્રોહ રાજ્યના વિકાસનાં હિતમાં નથી. સભ્ય મરાઠી સમાજ આ વાત સમજે છે, સ્વીકારે છે. ભૂતકાળનું પુનરાવર્તન કરવું નથી. - રાહુલ ગાંધી બોફોર્સનો બદલો લેવા માગે છે : અદાણીનાં નામે - બહાને મોદી ઉપર નિશાન તાકવાનો વ્યૂહ - ત્રાગડો રાહુલ ગાંધી વારંવાર અજમાવે છે. ભૂતકાળમાં બોફોર્સ - તોપના સોદાનો ભ્રષ્ટાચાર હતો અને રાજીવ ગાંધીએ સત્તા અને પ્રતિષ્ઠા ગુમાવી હતી, તે બોફોર્સનો બદલો લેવા માગે છે અને તેમાં એમને અમેરિકાના ખોળામાં બેઠેલા ભાઈ અને ડાબેરી અમેરિકન ધનકુબેરોનો સાથ મળ્યો છે ! કિસાન આંદોલન, ખાલિસ્તાની અલગતાવાદીઓ, નાગરિકત્વ કાનૂન અને મણિપુરની સ્થિતિમાં ભારતના દુશ્મનોના દિમાગ અને નાણાં ભાગ ભજવે છે. મોદી ભારતના વિકાસ અને અબજો ડોલરનાં અર્થતંત્રનું વચન આપે છે. વિશ્વમાં ભારતનાં નામના ડંકા વાગે છે, તેથી આપણા સ્વદેશી વિરોધી નેતાઓ કાનમાં નહીં, પેટમાં પીડા ભોગવે છે. સત્તા માટે ભારતનો દ્રોહ - દેશદ્રોહ થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ વારંવાર કહ્યું કે મોદી છે તો અદાણી `સેફ' - સલામત છે - રાહુલ ગાંધીને એડવાન્સમાં માહિતી મળી હોવી જોઈએ - તેથી એમનું નિવેદન તાત્કાલિક આવ્યું કે અદાણીની ધરપકડ નહીં જ થાય... સાંસદની જેપીસી - સંયુક્ત તપાસ સમિતિની માગણી પાછળ પણ બોફોર્સ - તપાસનું પુનરાવર્તન કરવાનો વ્યૂહ છે. આ વિવાદનાં પરિણામે ભારતમાં સૂર્યઘર - સૂર્યશક્તિ વિકસાવવાની યોજનામાં અવરોધ ઊભા થાય અને અમલ થાય નહીં એવી શક્યતા છે અને ભારત સરકાર પણ ભારતમાં તપાસ શરૂ કરે  તો ? તત્કાલીન રાજ્ય સરકારો કેવી બૂમરાણ મચાવે? 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang