શાંતિલાલ લીંબાણી દ્વારા : વિથોણ (તા. નખત્રાણા), તા. 25 : ખેતીવાડી ક્ષેત્રે બારડોલી તરીકે જાણીતા નખત્રાણા તાલુકામાં ખેડૂતો ખેતી અને બાગાયતી ખેતીમાં અવનવા પ્રયોગો કરી રહ્યા છે, ત્યારે હવે વાલનું વાવેતર કરીને મોટું ઉત્પાદન થઇ રહ્યું હોવાની વિગતો મળી છે. આઠમાસી પાક હોવાથી અનેક ધરતીપુત્રો કઠોળની પેદાશ લેતા થઇ ગયા છે. વાલની પેદાશ સૌપ્રથમ માંડવી વિસ્તારમાં જોવા મળતી હતી, પરંતુ અત્યારે નખત્રાણા પંથકના ખેડૂતોએ વાલ ઉપર પસંદગી ઉતારી છે અને પ્રમાણમાં વાલના છોડ પણ પુષ્કળ પ્રમાણમાં પાંગર્યા છે. આમ તો વાલ શિયાળુ કઠોળ પાકની ઉપાધિ ધરાવે છે. ચોમાસામાં થયેલું વાવેતર સાત માસ પછી લણવામાં આવે છે અને જો કોઇ વિઘ્ન ન આવે તો ખેડૂતો ધાર્યું ઉત્પાદન મેળવી શકે છે. પંથકમાં અત્યારે ઘઉં, રાયડો કે ધાણા કરતાં વધુ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યારે ફસલ સારા પ્રમાણમાં પાંગરી છે અને ફૂલ સાથે ફળીઓ પણ લાગી રહી છે. વાલનાં છોડમાં બે વખત ફાલ લાગે છે. પ્રથમ નીકળેલી ફળી પાકે પછી નવા ફૂલ આવે છે અને તેમાં પાછી ફળી લાગે છે. વાલની પેદાશને ખૂબ જ માવજત કરવી પડે છે. પ્રમાણમાં ખાતર, નિયમિત દવાનો છંટકાવ અને સતત ભેજ ટકી રહે તેટલાં પ્રમાણમાં નિયમિત પાણી આપવું પડે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ચોમાસુ વરસાદ નિયમિત પડવાથી ખરીફની સાથે રવી પેદાશોમાં અત્યારે રોનક દેખાય છે. આઠમાસી દિવેલા પણ ઠંડીના ચમકારા પછી પાગર્યા છે અને ઘઉં અને રાયડો પણ ઠંડીનાં કારણે ઝડપથી પાંગરી રહ્યા છે. રવી પેદાશો ઉપર મોસમ મહેરબાન રહેશે તો રવી પેદાશોમાં સારા ઉત્પાદનની વકી છે. ડ્રીપના પર્દાપણ પછી ખેતીમાં નવો વળાંક આવ્યો છે. પાણીના ખર્ચમાં મોટો કાપ આવ્યો છે અને પિયતની મહેનત પણ ઓછ થઇ ગઇ છે. વાલ-કઠોળનો ઉપયોગ શાક બનાવવામાં થાય છે. વાલનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. વાલના છોડના પાન અને ડાળખી પશુઓના આહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વાલના વેસ્ટેજ દાણા પશુઓને આહારમાં આપવામાં આવે છે, જેના કારણે દૂધમાં વધારો થાય છે અને દૂધમાં વધુ ફેટ આવે છે તેવું ખેડૂત કાંતિભાઇ લીંબાણીએ જણાવ્યું હતું. અત્યારે પંથકની અનેક વાડીઓમાં વાલની ફસલ લહેરાતી જોવા મળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ દિવેલાની સરખામણી કરતાં વાલની ફસલની જાળવણી ઓછી કરવી પડે છે. વાલની ફળીઓ પાકયા પછી છોડ સાથે જોડાઇ રહે છે. મગફળીની જેમ તેની લણણી કરવામાં આવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે.