ભુજ, તા. 25
: ગઢશીશા પંથકના એક નાના ગામમાં પરિણીત મહિલાની એકલતાનો ગેરલાભ લઇ બે શખ્સોએ દુષ્કર્મ
ગુજાર્યાની 20 દિવસ પૂર્વેના બનાવની આજે ફરિયાદ નોંધાતા બન્ને આરોપીને રાઉન્ડઅપ કરાયાની
વિગતો મળી છે. નાના એવા ગામમાં ઘટેલી આ નિંદનીય ઘટનાથી ગઢશીશા પંથકમાં ચકચાર પ્રસરી
છે. આ ઘૃણાસ્પદ બનાવ અંગે ગઢશીશા પોલીસ મથક અને અંતરંગ વર્તુળો પાસેથી મળેલી વિગતો
મુજબ ગત તા. 5-11ના બપોરે ત્રણેક વાગ્યે નાના એવા ગામમાં ભોગ બનનાર મહિલા એકલી હતી
ત્યારે આરોપી ભાવેશ મોહન માતંગ (રહે. બાવઠ તા. માંડવી) અને હુશેન ઇસ્માઇલ સુમરા (રહે.
ડુમરા તા. અબડાસા), મહિલાની ઘરની વરંડાની દિવાલ કૂદી તેના ઘરમાં ઘૂસી જઇ ફરિયાદીનો
હાથ પકડી રૂમમાં લઇ જઇ બન્નેએ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું
હતું અને આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે, આ વાતની કોઇને જાણ કરીશ તો તને તથા તારા
પતિને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. તેવું ભોગ બનનાર મહિલાએ ગઢશીશા પોલીસ મથકે
ફરિયાદમાં લખાવ્યું છે. ફિટકાર વરસાવનાર આ બનાવ અંગે સંબંધિતો પાસેથી મળેલી જાણકારી
મુજબ દુષ્કર્મના બનાવ બાદ હતપ્રભ અને ડરી ગયેલી મહિલાએ લોકલાજના ભયથી આ વાત કોઇને કરી
ન હતી. પરંતુ થોડા દિવસો પૂર્વે એક આરોપી ફરી મહિલાના ઘર પાસે આંટા-ફેરા કરતો દેખાતા
મહિલાએ પરિવારની ત્રીઓને વાત કરતા પરિજનો અને આગેવાનોએ હિંમત આપતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી હતી. આ અંગે તપાસકર્તા ગઢશીશાના પી.આઇ. કે.એસ. ચૌધરીએ ફોન પર વારંવાર સંપર્ક
કરવા છતાં શક્ય ન બનતા વધુ વિગતો જાણી શકાઇ નથી.