ગાંધીધામ, તા.
25 : તાલુકાના મીઠીરોહર જી.આઇ.ડી.સી.માં ભંગાર લેવા મુદ્દે ત્રણ શખ્સે છરી અને ટામી
વડે હુમલો કરતાં બે યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. અંજારમાં રહેનાર ફરિયાદી
અકબરશા કાસમશા શેખ ગાંધીધામના મચ્છુનગરમાં ભંગારનો વ્યવસાય કરે છે. ગત તા. 24/11ના
તે તથા મુસ્તાક કાસમ સોઢા વાડી પર હતા, ત્યારે ચંદુ દેવીપૂજક ત્યાં આવી રસુલ ત્રાયાએ
મીઠીરોહર જી.આઇ.ડી.સી.માં ભંગાર લેવા આવવાની ના પાડી છે, જેથી આ ત્રણેય જી.આઇ.ડી.સી.
વિસ્તારમાં ઇલિયાસ નાનવટી સ્ટોલ પર જતાં ત્યાં આરોપી રસુલ કાસુ ત્રાયા, હુસેન હાજી
ત્રાયા અને શબીર ત્રાયા હાજર હતા. ભંગાર લેવાની કેમ ના પાડો છો તેવું કહેતાં આ શખ્સો
ઉશ્કેરાઇ ગયા હતા અને મુસ્તાકને છરી દ્વારા બાદમાં લોખંડની ટામી વડે હુમલો કરાયો હતો,
જેમાં મુસ્તાકને માથામાં ઇજાઓ તથા બંને હાથમાં અને ફરિયાદીને એક હાથમાં અસ્થિભંગ સહિતની
ઇજાઓ પહોંચી હતી. પોલીસે મારામારીના આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.