• મંગળવાર, 26 નવેમ્બર, 2024

નકસલવાદ સામે વિકાસનો સમય

ભારતમાં નકસલવાદને નાથવાના વારંવારના પ્રયાસો કાયમી રીતે સફળ થતા જણાતા નથી. આદિવાસીઓ, મજૂરો અને સીમાંત ખેડૂતોના અધિકારોનાં નામે ચાલતી આ લોહિયાળ ચળવળ સામે સલામતી દળોની અસરકારક કાર્યવાહીની અસર વર્તાઇ રહી છે, પણ આ સફળતા કાયમી રહે અને નકસલવાદનો અંત આવે એવી કોઇ નક્કર ખાતરી આપી શકે એવી સ્થિતિમાં નથી. ભૂતકાળના અનુભવો પરથી જણાય છે કે, આ ચળવળ વારંવાર ફરી માથું ઊંચકતી રહી છે. ખરેખર તો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આતંકનો પર્યાય બની ચૂકેલા નકસલવાદના ખાતમા માટે સલામતી દળોની કાર્યવાહીની સાથોસાથ સામાજિક અને આર્થિક વિકાસ તથા રોજગારીની તકો વધારવાની અનિવાર્યતા સતત વર્તાતી રહી છે.  1967થી દેશમાં એક આંદોલનનાં સ્વરૂપે આકાર લેનારી નકસલવાદની ચળવળ સમયની સાથે હિંસક સ્વરૂપમાં પરિવર્તિત થઇ. સૌથી જૂની આ ચળવળે અત્યાર સુધી અનેક લોકોના જીવ લીધા છે. હિંસાને નાથવા માટે સંખ્યાબંધ રાજ્ય અને કેન્દ્ર સરકારોએ પ્રયાસ કર્યા છે. બંગાળનાં નકસલબાડી ગામમાં જન્મ લેનારાં આંદોલને સમયની સાથે ભારે વ્યાપ વધાર્યો છે. બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને દક્ષિણનાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવાં રાજ્યોમાં નકસલવાદ સરકાર અને સલામતી દળો સામે લોહિયાળ પડકાર બની રહ્યો છે.      તાજેતરના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે નકસલવાદની સામે આત્મસમર્પણ કરો અથવા મરોની વણજાહેર નીતિ અમલમાં મૂકી છે, ત્યારથી હિંસાની ઘટનાઓમાં ઓટ આવી છે. ખાસ તો દેશમાં નકસલવાદગ્રસ્ત જિલ્લાની સંખ્યા 96થી ઘટીને 42 થઇ ગઇ છે. હિંસાની ઘટના ગયા વર્ષની સરખામણીએ 16,463થી ઘટીને 7,700 નોંધાઇ છે. હિંસક ઘટનાઓમાં ઘટાડાને લીધે નાગરિકો અને સલામતી દળોની ખુવારીની સંખ્યા 70 ટકા જેટલી ઘટી છે. નકસલવાદગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ થાણામાં આ ચળવળને લગતી હિંસાની ફરિયાદો પણ ઘટી છે.  આવાં અસરગ્રસ્ત થાણા 465 હતાં, જે હવે માત્ર 171 રહ્યાં છે. વળી, સલામતી દળોએ નકસલવાદીઓ સામે કાર્યવાહી સતત વધારી છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર મહિનાના સમયગાળા દરમ્યાન સલામતી દળો સાથેની અથડામણોમાં 207 નકસલવાદી માર્યા ગયા છે. સલામતી દળોને આ મોરચે મોટી સફળતા મળી રહી છે. ખાસ તો શસ્ત્રો છોડીને મુખ્યધારામાં આવવા માટે આત્મસમર્પણ કરતા નકસલવાદીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. ખરેખર તો આ અગાઉ પણ સલામતી દળોને સફળતા મળી છે, પણ નકસલવાદી ફરી માથું ઊંચકતા રહ્યા છે. આ વખતે વધુ એક તક છે કે, સરકાર નકસલવાદગ્રસ્ત વિસ્તારોમાં વિકાસની ઉપર ધ્યાન આપવાની સાથોસાથ યુવાનોને રોજગારીની તકો મળતી થાય તે માટે ધ્યાન આપે તે જરૂરી છે. હિંસાને નાથવા અથડામણોની સાથોસાથ વિકાસનો સમન્વય અનિવાર્ય હોવાનું સૌ કોઇ માને છે. આ બાબતે હવે પ્રામાણિકપણે પગલાં લેવાવાં જોઇએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang