• મંગળવાર, 26 નવેમ્બર, 2024

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે ફડણવીસ ?

નવી દિલ્હી, તા. 2પ : મહારાષ્ટ્રમાં ભાજપનાં નેતૃત્વમાં મહાયુતિની નવી સરકારના મુખ્યમંત્રીની પસંદગી માટે આજે દિવસભર રાજકીય હલચલ તેજ રહી હતી. ભાજપ, એનસીપી (અજિત પવાર જૂથ) અને શિવસેના (શિંદે જૂથ)માં અંદરખાને ખેંચતાણ ચાલી હોય તેવા સંકેતો મળ્યા હતા. જો કે, અજિત પવારનાં જૂથે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ માટે સમર્થન આપવાની તૈયારી દેખાડી દીધી હતી, પણ શિવસેના (શિંદે જૂથ) આ અંગે સંમતિ અને સ્વીકૃતી આપવા અંગે કોઈ ફોડ પાડતી નથી. આ દરમિયાન આજે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળવા માટે ફડણવીસ દિલ્હી દોડી ગયા હતા અને મોડી સાંજે એકનાથ શિંદે અને અજિત પવાર પણ દિલ્હી જવા નીકળ્યા હતા. આવતીકાલે સવારે મુખ્યમંત્રીનાં નામનું એલાન કરી દેવામાં આવી શકે છે. ફડણવીસ રાત્રે 10.30 કલાક આસપાસ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ભાજપનાં સૂત્રોના કહેવા અનુસાર મુખ્યમંત્રી પદ માટે ફડણવીસનું નામ નિશ્ચિત થઈ ગયું છે અને હવે તેની ઔપચારિક ઘોષણા જ બાકી છે. બીજીબાજુ શિવસેના કહે છે કે, પહેલા શિંદે જ મુખ્યમંત્રી બનવા જોઈએ. મહારાષ્ટ્રમાં પણ બિહાર ફોર્મ્યુલા મુજબ સરકાર રચવામાં આવે તેવી તેની માગણી છે. બીજીબાજુ ઉદ્ધવ ઠાકરેનાં આવાસ માતોશ્રી ખાતે આજે મળેલી બેઠકમાં આદિત્ય ઠાકરેને વિધાનસભા અને વિધાન પરિષદમાં પક્ષનાં સંયુક્ત નેતા ચૂંટવામાં આવ્યા હતાં. જ્યારે કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ નાના પટોળેએ પક્ષનાં શર્મનાક દેખાવ બદલ પોતાનાં પદ ઉપરથી રાજીનામાની ઓફર કરી હતી પણ પક્ષે તેમને યથાવત જાળવવા કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang