પોર્ટ બ્લેયર,
તા.25 : માદક દ્રવ્ય વિરોધી સૌથી મોટી સફળતામાં ભારતીય તટરક્ષક દળ (આઈસીજી)એ આંદામાન-નિકોબાર
દ્વીપ સમૂહ પાસેથી છ હજાર કિલોગ્રામ પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન લઈ જઈ રહેલી એક માછીમારી
નૌકા જપ્ત કરી હતી, જેમાં મ્યાંમારના છ ચાલક દળ સભ્ય હતા. આ અત્યાર સુધીનો આઈસીજીના
ઈતિહાસમાં ઝડપાયેલો સૌથી મોટો માદક દ્રવ્યનો જથ્થો મનાઈ રહ્યો છે. લગભગ 5500 કિલો એમ.ડી.
ડ્રગ્સની કિંમત અંદાજે રૂા. 25000 કરોડની છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ માદક
પદાર્થ બે-બે કિલોગ્રામ વજનના લગભગ ત્રણ હજાર પેકેટમાં હતા જેની અંતરરાષ્ટ્રીય બજારમાં
કરોડો રૂપિયામાં થવા જાય છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 23મી નવેમ્બરે રોજિંદી
તપાસ દરમ્યાન તટરક્ષક ડોર્નિયર વિમાનના પાયલટે બૈરન ટાપુ પાસે માછલી પકડનારી એક નૌકાની
સંદિગ્ધ ગતિવિધિ નિહાળી હતી. બૈરન દ્વીપ પોર્ટ બ્લેયરથી આશરે 150 કિલોમીટર દૂર છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, નૌકાને ચેતવણી આપવામાં આવી હતી અને તેને તેની ગતિ ધીમી
કરવા જણાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન પાયલટે અંદામાન અને નિકોબાર કમાનને તેની જાણકારી
આપી હતી. તત્કાળ અમારા નજીકના જહાજ બૈરન દ્વીપ તરફ રવાના થયાં હતાં અને માછલી પકડવાની
નૌકાને લઈને તપાસ માટે 24મી નવેમ્બરે પોર્ટ બ્લેયર લાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે,
અમે નૌકામાંથી મ્યાંમારના છ નાગરિકની ધરપકડ કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે,
મેથામ્ફેટામાઈન ભારત અને તેના પાડોશી દેશોમાં તસ્કરી માટે લઈ જવાતું હતું. અમે સંયુક્ત
તપાસ માટે અંદામાન અને નિકોબાર પોલીસને સૂચિત કરી છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પહેલાં
પણ અંદામાન નિકોબાર દ્વીપ સમૂહનાં ભારતીય જળક્ષેત્રમાંથી આ પ્રકારની પ્રતિબંધિત સામગ્રી
જપ્ત કરવામાં આવી છે. 2019 અને 2020માં પણ વિદેશી જહાજોમાંથી નશીલા દ્રવ્ય જપ્ત કરવામાં
આવ્યાં હતાં. એમડી તરીકે જાણીતા મેથામ્ફેટામાઈનનો ઉપયોગ મોટાભાગે નશા માટે કરવામાં
આવે છે. માનવામાં આવે છે કે મેથામ્ફેટામાઇન ભારત અને પાડોશી દેશમાં તસ્કરી માટે પહોંચાડવામાં
આવી રહ્યું હતું. આ મામલે સંયુક્ત પૂછપરછ માટે અંદામાન નિકોબાર પોલીસને પણ જાણકારી
આપી દેવાઈ હતી. મહિનાની શરૂઆતમાં ગુજરાત તટથી દૂર ભારતીય જળ ક્ષેત્રમાં અંદાજિત
700 કિલો મેથમ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે 15 નવેમ્બરે ગુજરાત એટીએસએ
પોરબંદર તટ નજીકથી 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડયું હતું.