• મંગળવાર, 26 નવેમ્બર, 2024

આજથી સંસદનું શિયાળુ સત્ર : ગરમાગરમીનો તખતો તૈયાર

નવી દિલ્હી, તા. 24 : આવતીકાલથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થવાનું છે. સત્ર દરમિયાન વિપક્ષો દ્વારા હોબાળો થવાની સંભાવનાને પગલે રવિવારે સરકારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં તમામ પક્ષો સાથે બેઠક યોજાયેલી બેઠકમાં સત્ર દરમિયાન સહયોગની અપીલ કરી હતી. જો કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીતથી સત્તાધારી ભાજપના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આ સત્ર દરમિયાન સરકારે પાંચ નવા કાયદા અને વકફ બિલમાં સંશોધન સહિતના 15 ખરડા રજૂ કરવાની તૈયારી આદરી છે. એક મીડિયા હેવાલ મુજબ, શિયાળુ સત્ર દરમિયાન મણિપુર હિંસા, રાષ્ટ્રીય સુરક્ષા, અદાણી સહિતના વિવિધ મુદ્દા વિપક્ષો ઉઠાવશે. બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ પત્રકારોને જણાવતાં કહ્યું હતું કે, અમે તમામ પક્ષોના નેતાઓને શિયાળુ સત્ર શાંતિથી ચાલવા દેવા અપીલ કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, શિવસેના અને અન્ય પક્ષના નેતાઓ સામેલ થયા હતા. શિયાળુ સત્ર 25મી નવેમ્બરથી 20મી ડિસેમ્બર સુધી ચાલશે.  સત્ર દરમિયાન, વિપક્ષ સરકારને વકફ સંશોધન ખરડો, મણિપુર હિંસાના મુદ્દે ઘેરવાની કોશિશ કરશે. સત્રના પહેલા અઠવાડિયાના અંતે જેપીસી હેવાલ રજૂ કરે તેવી સંભાવના છે. જો કે, જેપીસીમાં સામેલ વિપક્ષના સાંસદો હેવાલ જમા કરાવવા માટે વધુ સમયની માગણી કરી રહ્યા છે.  દરમિયાન, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, સંસદ સત્રમાં મણિપુરનો મુદ્દો ઉઠાવવાના છીએ. ઝારખંડમાં મુખ્યમંત્રીની ધરપકડ થઈ, પણ મણિપુર ભડકેલી હિંસા બાદ પણ સરકારને ત્યાના મુખ્યમંત્રી પર ભરોસો છે તેમ ગોગોઈએ ઉમેર્યું હતું. તે ઉપરાંત ઉત્તર ભારતમાં વધતા પ્રદૂષણ અને ટ્રેન અકસ્માતનો મુદ્દો પણ ચર્ચાસ્પદ રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang