નવી દિલ્હી, તા. 6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં હેંશિયાર
બાળકોનાં શિક્ષણમાં કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી
યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્ર સરકારના નિર્ણયો
જાહેર કરતાં કહ્યું હતું કે, પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે.
જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે બેંકો પાસેથી વ્યાજબી દરે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષણ લોન લઈ શકાશે. શિક્ષણ
લોન ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા (ક્યુએચઈઆઈ)માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમ
સંબંધિત ટયુશન ફી અને અન્ય ખર્ચને આવરી લેવાશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ
ફ્રી, એટલે કે લોન ચૂકવવામાં અસમર્થતા સામે ગિરવે મૂકવામાં આવતી સંપત્તિની જરૂર નહીં
અને ગેરેન્ટર વિના લોન લઈ શકાય છે. વૈષ્ણવે જણાવ્યું કે, જેમની વાર્ષિક કૌટુંબિક આવક
રૂ. આઠ લાખ છે, તેવા પરિવારોના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના
હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન પર ત્રણ ટકા વ્યાજ સબસિડી ઉપલબ્ધ થશે. ભારત સરકાર રૂા. 7.5 લાખ સુધીની લોન
પર 75 ટકા ક્રેડિટ ગેરંટી આપશે. આ ઉપરાંત અનાજ
પ્રાપ્તિમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવતા એફસીઆઈ (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ને મજબૂત
કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. કેબિનેટે એફસીઆઈને રૂા. 10,700 કરોડની નવી ઇક્વિટી
મૂડી પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે.