નવી દિલ્હી, તા.5 : સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને ફટકારૂપ
ચુકાદામાં યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુક્ઁશન એક્ટની કાયદેસરતાને જાળવી રાખી છે. આ ચુકાદા
અનુસાર ઉત્તરપ્રદેશમાં મદરસાઓ ચાલતા રહેશે અને 16 હજાર મદરેસામાં ભણતા 17 લાખ વિદ્યાર્થી
સરકારી સ્કૂલમાં મોકલાવામાં આવશે નહીં. આજે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપતાં અલ્લાહાબાદ
હાઈકોર્ટનો એ ચુકાદો રદ કર્યો હતો જેમાં મદરેસા એક્ટને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યો
હતો. દરમ્યાન, યુપી સરકારના મંત્રી ઓમપ્રકાર રાજભરે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન
કરવામાં આવશે એમ જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ રાજ્યમાં રાજકારણ પણ ગરમ
થયું હતું. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે યુપી મદરેસા એક્ટની બધી જોગવાઈ મૂળ અધિકાર
કે બંધારણના મૂળ માળખાંનું ઉલ્લંઘન કરતી નથી. જોકે અદાલતે મદરેસા એક્ટની એ જોગવાઈ પર
રોક લગાવી હતી જેમાં મદરેસાઓને પીજી અને રિસર્ચનો અભ્યાસક્રમ નક્કી કરવાનો અધિકાર હતો.
તેનો અર્થ એ કે હવે મદરેસા બોર્ડ ઉચ્ચ અભ્યાસનો અભ્યાસક્રમ અને પુસ્તકો નિયત કરી શકશે
નહીં.