નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ
કોર્ટે સોમવારે દુષ્કર્મના આરોપો સાથે જોડાયેલા એક મામલામાં મહત્ત્વની ટિપ્પણી
કરતાં લગ્નથી પહેલાં શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય, તેવો સવાલ ઉઠાવ્યો હતો.
ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાએ જણાવ્યું હતું કે, એક યુવક અને
એક યુવતી વિવાહથી પહેલાં શારીરિક સંબંધ કેમ બાંધી શકે છે, તે
જ અમે સમજી શકતા નથી. બની શકે કે, અમે જૂના વિચારોના છીએ,
તેવું કહેવાતું હોય, પરંતુ લગ્નથી પહેલાં બે
પાત્રો અજાણ્યા જ હોય છે. સંસાર માંડવા પહેલાં સાવધાની રાખવી જોઈએ તેવું તેમણે
કહ્યું હતું. જસ્ટિસ નાગરત્ના અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે એક શખ્સની જામીન અરજી
પર સુનાવણી કરી હતી. એક મહિલાએ આરોપ મૂક્યો હતો કે, લગ્નનું
વચન આપ્યા બાદ એ શખ્સે પહેલાં દિલ્હી અને પછી મુંબઈમાં તેની સાથે અનેક વખત શારીરિક
સંબંધ બાંધ્યો હતો. યુવતીએ દાવો કર્યો હતો કે, શખ્સના
કહેવાથી તે દુબઈ ગઈ હતી. ત્યાં અશ્લીલ વીડિયો બનાવી વિરોધ કરશે તો વાયરલ કરવાની
ધમકી આપી હતી. જસ્ટિસ નાગરત્નાએ સવાલ કર્યો હતો કે, તમે દુબઈ
ગયા જ શા માટે. સંબંધ સહમતીથી બંધાયો છે એટલે કેસ ચલાવાય કે સજા કરાય તેવો આ મામલો
જ નથી.