રાપર, તા. 16. રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 24માં
વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 'માતૃ-પિતૃ વંદના, ઠાકોરજીનો
અભિષેક અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું.
સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને રજતજયંતી મહોત્સવનાં લોગોનું અનાવરણ
ઉપસ્થિત સંતો અને મહેમાનોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ,
અંધશ્રદ્ધા નિવારણ, પ્રભુ ભક્તિ, હનુમાન ચાલીસા નૃત્ય નાટિકા, મોબાઈલનો અતિરેક,
તલવાર રાસ, આર્મી ડાન્સ, પિરામિડ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કરતબોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ
કર્યા હતા. ગુરુકુળ દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા,
ધોરણ-9 માં દીકરીઓને પ્રવેશ આપવા, ગ્રામ્ય વિસ્તારોનાં
વિદ્યાર્થીઓ માટે આવવા જવા માટે બસની સુવિધા, પ્રાચીન પરંપરા
સાથે આધુનિક શિક્ષણનાં સમન્વયરુપે અંજાર તાલુકાનાં ચાંદરાણી ખાતે વૈદિક ગુરુકુલમ્
શરુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ડોલરરાય ગોર, ધનજીભાઈ
તારપરા, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રતિભાવો વ્યક્ત કર્યાં
હતાં. સંત બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતા. સંચાલન અક્ષરમૂનિએ કર્યું
હતું. આ પ્રસંગે વાડીલાલ સાવલા, વિનુભાઈ થાનકી, બળવંતભાઈ ઠક્કર, કેશુભા વાઘેલા, ડૉક્ટર રમેશભાઈ દોશી, કાંતિભાઈ પટેલ, પ્રેમજીભાઈ મીણાત, રત્નાભાઈ ચૌધરી, મોતીભાઈ ભરવાડ સહિત ગુરુકુળનાં ટ્રસ્ટીઓ, રાજકીય
સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. શાળાનાં આચાર્ય, શિક્ષકો અને ગુરુકુળનાં કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.