નવી દિલ્હી,
તા.1 : ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર
દ્વિવેદીએ આજે જણાવ્યું હતું કે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સ્થિતિ
હજુ પણ સંવેદનશીલ છે અને `સામાન્ય' નથી. ચાણક્ય રક્ષા સંવાદમાં સંબોધન
દરમ્યાન દ્વિવેદીએ જણાવ્યું હતું કે ચીનની સાથે ચાલી રહેલા સીમા વિવાદ પર સેનાની તૈયારીઓ
અને વ્યૂહનીતિ પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું કે ભારત-ચીન સીમા પર સ્થિતિ
સ્થિર છે પરંતુ એપ્રિલ-2020થી પહેલા જેવી સામાન્ય સ્થિતિની બહાલીની જરૂરત છે. જનરલ દ્વિવેદીએ કહ્યું કે ચીનની સાથે પ્રતિસ્પર્ધા,
સહયોગ, સહ-અસ્તિત્વ અને ટક્કરની સ્થિતિ જારી છે. એપ્રિલ-2020માં ચીને ભારતીય ક્ષેત્ર
પર કબજાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. જોકે આ ઘટના બાદથી
પૂર્વી લદ્દાખમાં તણાવ ચાલુ છે. તેમણે કહ્યું કે વિશ્વાસની સૌથી મોટી ક્ષતિ બંને દેશ
વચ્ચે સર્જાઈ છે. જ્યાં સુધી એપ્રિલ 2020 અગાઉની સ્થિતિ ન સ્થપાય ત્યાં સુધી બંને દેશ
વચ્ચે સ્થિતિને સામાન્ય માની ન શકાય એમ જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું.