વોશિંગ્ટન, તા. 20 : અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર આકરું વલણ બતાવીને એ જ લવારો કરતાં એવી
ચેતવણી આપી હતી કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી જારી રાખશે તો તેને હજુ વધુ ટેરિફ ચૂકવવો
પડશે. પોતાનાં વિમાન એરફોર્સ- વનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે આવી ધમકી આપી
હતી. તેમણે વધુ એકવાર કહ્યું હતું કે, મેં વડાપ્રધાન મોદી
સાથે વાત કરી છે. મોદીએ મને કહ્યું છે કે, ભારત રૂસી તેલ
નહીં ખરીદે અને છતાં જો તેલ ખરીદી ચાલુ રાખશે તો ભારતે ભારે ટેરિફ દેવો પડશે.
ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે, રૂસ પાસેથી તેલ ખરીદનારા
દેશો યુક્રેન સામે યુદ્ધ માટે રશિયાને પરોક્ષ રીતે મદદ કરી રહ્યા છે. ભારત અગાઉના
ટ્રમ્પના દાવાને નકારી ચૂકયું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર
જયસ્વાલે જણાવ્યું હતું કે, રૂસી તેલ મુદ્દે મોદીની ટ્રમ્પ
સાથે કોઇ વાત થઇ જ નથી. તેલ ખરીદી વિશે મોદી સાથે વાતનો ભારત ઇન્કાર કરે છે,
તેવું પૂછતાં ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, એવું
છે તો ભારતે હજુ પણ ભારે ટેરિફ ચૂકવવો પડશે.