• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

શેરબજારોમાં તેજીની તડાફડી

મુંબઈ, તા. 20 :  ઘરેલુ શેરબજારોએ ચોથે દિવસે પણ તેજીમય રહી સંવત 2081ને વિદાય આપી હતી. વિક્રમ સંવત 2081નાં અંતિમ સત્રમાં સોમવારે શરૂઆતથી જ તેજીની તડાફડી જોવા મળી હતી. દેશ - વિદેશનાં ફંડોએ દિગ્ગજ શેરોમાં ભરપૂર લેવાલી કરતાં સેન્સેક્સ 411.18 અંક (0.49 ટકા) વધીને 84,363.37 અંક ઉપર અને નિફ્ટી 133.30 અંક (0.52 ટકા) વધીને 25,843.15 અંક ઉપર બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી  બાવન સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યાં હતાં. બીએસઈ મિડકેપ 319.97 (0.69 ટકા) અને સ્મોલકેપ 315.08 (0.59 ટકા) વધ્યા હતા. એક તબક્કે સેન્સેક્સ 704.37 અંક વધીને ઇન્ટ્રાડેમાં 84,656.56 અંક ઉપર પહોંચ્યો હતો. નિફ્ટી 216.35 અંક વધીને 25,926.20 ઉપર પહોંચ્યો હતો. સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3.52 ટકા વધ્યો હતો. આ ઉપરાંત બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, એસબીઆઈ, ટીસીએસ, ટાઇટન અને ભારતી એરટેલ વધ્યા હતા. આમ છતાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એમએન્ડએમ, ઇટર્નલ, અદાણી પોર્ટ્સ અને પાવરગ્રીડ ઘટયા હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયા, જાપાન, શાંઘાઈ અને હોંગકોંગ વધ્યાં હતાં, જ્યારે યુરોપિયન બજારો વધવાતરફી હતાં. એક્સચેન્જના એક અહેવાલ મુજબ એફઆઈઆઈએ શુક્રવારે 308.98 કરોડના શેરની ખરીદી કરી હતી, જ્યારે ડીઆઈઆઈએ રૂા. 1526.61 કરોડના શેરની ખરીદી કરી હતી. ભારતીય શેરબજારે વિક્રમ સંવત 2081માં દીપાવલિ સુધીમાં લગભગ છ ટકા વળતર આપ્યું હતું. 2080માં બજારમાં વિક્રમી તેજી જોવા મળી હતી અને સપ્ટે. - 2024માં સેન્સેક્સ તથા નિફ્ટીનો લાઇફટાઇમ હાઈ જોવા મળ્યો હતો. ત્યારબાદ કમાણી ઘટતાં અને વેલ્યુએશન ઊંચાં બનતાં ફોરેન ફંડોની વેચવાલી ચાલુ થઈ હતી. ટ્રમ્પની અનિશ્ચિત ટેરિફનીતિનાં કારણે વૈશ્વિક બજારો ઉપર નકારાત્મક અસર થઈ હતી. આમ છતાં એકંદરે ભારતીય બજારની મજબૂતી જળવાઈ રહી હતી. ગત દિવાળીથી અત્યાર સુધીમાં નિફ્ટી 6.2 ટકા વધ્યો હતો. મિડકેપ 4.3 ટકા અને સ્મોલકેપ ચાર ટકા વધ્યા હતા. હવે જીએસટીમાં સુધારો થયો છે, રિઝર્વ બેન્ક તરફથી નાણાકીય પ્રવાહિતા વધી છે અને સરકાર નીતિગત સુધારા દ્વારા ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે સંવત 2082નાં નવાં વર્ષમાં બજારની આગેકૂચ જળવાઈ રહેવાની આશા છે.

Panchang

dd