• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ઇપીએફઓના પેન્શનધારકોને રાહત

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 4 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની પેન્શન યોજનાના લાખો પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. પેન્શનધારકો હવે કોઈપણ બૅન્ક અથવા એની શાખામાંથી પેન્શન મેળવી શકશે. આ સુવિધા આગામી વર્ષે જાન્યુઆરીથી અમલમાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન અને ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ ડૉ. મનસુખ માંડવિયાએ કર્મચારી પેન્શન યોજના-1995 માટે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (સીપીપીએસ)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે ઈપીએફના પેન્શનધારકો 2025ની પહેલી જાન્યુઆરીથી ભારતમાં કોઈપણ જગ્યાએથી, કોઈપણ બૅન્કની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે. તેમણે કહ્યું કે ઈપીએફઓને સંસ્થાના સભ્યો અને પેન્શનધારકોની જરૂરિયાતોને સારી રીતે પૂરી કરવા માટે પ્રતિબદ્ધ એક વધુ મજબૂત, જવાબદારીપૂર્ણ અને વધુ અદ્યતન સંસ્થામાં પરિવર્તિત કરવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્ત્વનું પગલું છે. સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમથી ઈપીએફઓના 78 લાખથી વધુ ઈપીએસ પેન્શનધારકોને લાભ થવાની આશા છે. અદ્યતન આઈટી અને બૅન્કિંગ ટૅક્નૉલોજીનો ઉપયોગ કરીને પેન્શનધારકોને સુવિધા ઉપલબ્ધ કરાવાશે. પેન્શનધારકોની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા માટે સરકારે મોટો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સુવિધાને કારણે પેન્શનધારક સ્થળાંતર કરે અથવા બેન્ક કે એની શાખામાં ફેરફાર કરે તો પણ સીપીપીએસ પેન્શન પેમેન્ટ અૉર્ડર્સ (પીપીઓ)ને એક અૉફિસથી બીજી અૉફિસમાં ટ્રાન્સફર કરવાની જરૂર વગર દેશમાં કોઈપણ સ્થળે પેન્શનનું વિતરણ સુનિશ્ચિત કરશે. નિવૃત્તિ પછી પોતાના વતન જતા રહેતા પેન્શનરો માટે પણ આ મોટી રાહત હશે. આ સુવિધા ઈપીએફઓના આઈટી આધુનિકીકરણના પ્રોજેક્ટ સેન્ટ્રલાઈઝ્ડ આઈટી ઈનેબલ્ડ સિસ્ટમ (સીઆઈટીઈએસ 2.01)ના ભાગ તરીકે 2025ની પહેલી જાન્યુઆરીથી લૉન્ચ કરવામાં આવશે. એ પછીના તબક્કામાં સીપીપીએસમાં આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ (એબીપીએસ) પણ ઉપલબ્ધ થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang