નવી દિલ્હી તા.26 : કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસે 9 સવાલ પૂછયા છે. જેના પર ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જવાબ આપતાં કહ્યું કે કોંગ્રેસે જે 9 સવાલ પૂછયા છે તે જૂઠ્ઠાણું છે અને કોંગ્રેસની બેશરમીની પરાકાષ્ઠા છે. પત્રકાર પરિષદમાં ભાજપ નેતા પ્રસાદે કહ્યું કે તમે નિંદા કરો, પરંતુ આલોચનામાં તમે દેશની અંદરના સંકલ્પને નબળો ન બનાવો, આ મોટું અપમાન છે. એ લાખો સેવા કર્મીઓનું, ડોક્ટર, નર્સો, સફાઈ કર્મીઓ, એમ્બ્યુલન્સ ચાલકો. જેમણે કોવિડ કાળમાં દેશને બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદ યોજી એક પુસ્તિક જારી કરી અને કહ્યું કે અમે જાણવા ઈચ્છીએ છીએ કે આ સવાલોના જવાબ આપવા તેઓ કયારે મૌન તોડશે? કોંગ્રેસે 9 સવાલ પૂછયા કે 1) એવું શા માટે છે કે દેશમાં મોંઘવારી અને બેરોજગારી આસમાનને આંબી રહી છે અને જાહેર સંપત્તિ તમે તમારા મિત્રોને વેંચી રહ્યા છો? ર) ખેડૂતોની આવક બમણી કેમ ન થઈ? એમએસપી કાયદો કેમ ન ઘડાયો? 3) અદાણીને ફાયદો પહોંચાડવા એલઆઈસી અને એસબીઆઈમાં જમા સામાન્ય જનના પૈસા કેમ લગાવવામાં આવ્યા? અદાણીની કંપનીમાં બાકી ર0000 કરોડ કોના છે ? પીએમ જવાબ કેમ નથી આપતાં? 4) ચીનને લાલ આંખ બતાવવાની વાત કરતાં પીએમ એ ચીનને કિલનચીટ કેમ આપી જ્યારે તે આપણી જમીન પર કબજો જમાવી બેઠું છે ? લાલ શર્ટ પહેરીને ચીનને પંપાળવામાં આવી રહ્યંy છે, આ તેમની કાયરતા છે. પ) ચૂંટણી ફાયદા માટે ભાગલાવાદી રાજનીતિનો ઉપયોગ કેમ કરાઈ રહયો છે અને સમાજમાં ડરનો માહોલ ઉભો કરાઈ રહયો છે. 6) મહિલા, દલિત અને લઘુમતિઓ વિરુદ્ધ અત્યાચાર પર વડાપ્રધાન ચૂપ કેમ છે ? તેઓ જાતીય જનગણનાની માગ પર ચૂપ કેમ ? 7) બંધારણિય અને લોકતાંત્રિક સંસ્થાઓને નબળી કેમ બનાવાઈ રહી છે ? વિપક્ષી નેતાઓ અને સરકારને નિશાને કેમ લેવાઈ રહ્યા છે ? 8) મનરેગા જેવી યોજનાઓને નબળી કેમ બનાવાઈ રહી છે ? 9) કોરોનામાં ગેરવ્યવસ્થાને કારણે જે 40 લાખ લોકોના જીવ ગયા તેમના પરિવારને ન્યાય કેમ ન મળ્યો ?