• શનિવાર, 27 જુલાઈ, 2024

`દેવકાર્ય સાથે દેશકાર્ય પણ તેજ ગતિએ'

અમદાવાદ/સુરત, તા. 22 (પ્રતિનિધિ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના ગૃહરાજ્ય ગુજરાતના પ્રવાસ દરમ્યાન એક દિવસમાં રૂા. 781 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. મોદીએ સવારે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ (અમૂલ)ના સુવર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહી લોકોને સંબોધન કર્યું હતું અને અમૂલને વિશ્વની નંબર વન ડેરી બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. મહેસાણામાં તરભ ખાતે વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અવસરે રૂા. 13000 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, દેવકાર્ય સાથે દેશકાર્ય પણ તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે. તેમણે નવસારીના વાંસી બોસ્સી ખાતે પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્કના ખાતમુહૂર્ત અને તાપી જિલ્લાના કાકરાપાર અણુમથકમાં રૂા. 2200 કરોડથી વધુને ખર્ચે નિર્મિત 700-700 મેગા વોટના બે નવા રિએક્ટર યુનિટનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ નેશનલ હાઈવેના રૂા. 10000 કરોડથી વધુનાં કામોનું પણ લોકાર્પણ કર્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધી કદાચ પહેલો બનાવ હશે કે, એક દિવસમાં રૂા. 781 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું છે. મોદીએ અલગ અલગ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે, મોદીની ગેરન્ટી એટલે ગેરન્ટી પૂરી થવાની ગેરન્ટી. સરકાર નાના કિસાનોના હિત માટે કામ કરે છે. વડાપ્રધાને કોંગ્રેસ પરના પ્રહારોમાં જણાવ્યું હતું કે, નકારાત્મકતા ફેલાવનારા પરિબળો રામમંદિરના નિર્માણ પછી નફરતનો માર્ગ ત્યજતા નથી. કોંગ્રેસ મારું અપમાન કર્યા કરે છે, પણ તેમના વલણથી ભાજપ અને એનડીએ વધુ મજબૂત થાય છે અને આગામી ચૂંટણીમાં એનડીએને 400થી વધુ બેઠકો મળશે. પરિવારવાદ નહીં પણ પ્રતિભાને પ્રોત્સાહન આપવું અમારી કાર્યશૈલી છે. નરેન્દ્ર મોદીએ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અવસરે રૂા. 13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ આજે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે. આજનો પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું નહીં, લોકોનું જીવન સરળ બનશે. મંદિરને જ્ઞાન - વિજ્ઞાનના કેન્દ્ર તરીકે ગણાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મંદિર માત્ર પૂજાપાઠના સ્થાન નહીં, પરંતુ હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક ચેતનાનાં પ્રતીક છે. વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણી ઐતિહાસિક વિરાસતો દેશની સંસ્કૃતિ સમજવાના પ્રેરણાસ્રોત સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસ્તીના પ્રમાણો મળ્યા છે.  ધોળાવીરામાં પ્રાચીન ભારતના દિવ્ય દર્શન થાય છે. વિરાસતો ભારતનું ગૌરવ છે અને આપણને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ છે. દેશભરમાંથી ઉપસ્થિત રબારી સમાજના લોકોનું ગુજરાતની ધરા ઉપર સ્વાગત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આજે વિકાસ સાથે જોડાયેલા રૂા. 13,000 કરોડના વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયાં છે. પ્રોજેક્ટમાં રેલવે, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટૂરિઝમ જેવાં અનેક મહત્ત્વનાં વિકાસકામો જોડાયેલાં છે. હું પવિત્ર ધરતી ઉપર એક દિવ્ય ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આજે બલદેવગિરિ બાપુનું સપનું સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વનેતા નરેન્દ્ર મોદીના હસ્તે તરભ ખાતે માલધારી સમાજના ભક્તિ, શક્તિ અને આસ્થાનાં પ્રતીક સમા 900 વર્ષ જૂના શિવાલયની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે વિકાસોત્સવ ઊજવાઈ રહ્યો છે. આજે ગુજરાતના કોઈ પણ ખુણે જાઓ વિકાસનાં કાર્યો અવિરત ચાલતાં હોય છે, સરકારની વિકાસની ગેરંટી છે. નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ ઊભી કરી છે. સરકાર પર લોકોને પૂરો ભરોસો છે, એમ જણાવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક નાણી ખાતે એરસ્ટ્રીપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરભ ગામના વાળીનાથ ભગવાન દર્શન કરીને પૂજા -અર્ચના કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang