• સોમવાર, 22 જુલાઈ, 2024

ભારતની મોટી જીત ; કતારે આઠ પૂર્વ સૈનિક છોડયા

નવી દિલ્હી, તા. 12 : ભારતની મોટી કૂટનીતિક જીત થઇ છે. જાસૂસીના આરોપ હેઠળ પકડીને મોતની સજા આપ્યા પછી કતારે આખરે દોઢ વર્ષ જેટલા લાંબા ગાળા બાદ ભારતીય નૌકાદળના આઠ પૂર્વ સૈનિકને મુક્ત કર્યા હતા, જેમાંથી સાત સોમવારની સવારે ભારતમાં પાછા આવી ગયા હતા. પહેલાં મૃત્યુદંડની સજા આપ્યા પછી તેમાં ઘટાડો કરાતાં જનમટીપની સજા ભોગવી રહેલા આઠ ભારતીય નૌકાદળના પૂર્વ સૈનિકને છોડી દેવાયા છે. ભારતના વિદેશ મંત્રાલયે મુક્તિના કતારના ફેંસલાની સ્વાગત સાથે પ્રશંસા કરી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, પહેલી ડિસેમ્બરના દુબઇના સીઓપી 28 સમિટ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારના અમીર (મુખ્ય શાસક) શેખ તમીમ બિન હમાદ અલ યાનીને મળ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા પછી મુક્ત થયેલા પૂર્વ સૈનિકોએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના અમારું મુક્ત થવું અને ઘરે પાછા ફરવું સંભવ નહોતું. 18 મહિના બાદ કતારમાંથી મુક્ત થઇને સ્વદેશ પરત ફરેલા પૂર્વ નૌકાદળ સૈનિકોએ વડાપ્રધાન તેમજ ભારત સરકારનો આભાર માન્યો હતો. કતારની જાસૂસી સંસ્થાના સ્ટેટ સિક્યોરિટી બ્યુરોએ 30 ઓગસ્ટ, 2022ના 8 પૂર્વ ભારતીય સૈનિકોની ધરપકડ કરી હતી. તમામ નેવી ઓફિસર કતારની નૌકાદળને તાલીમ આપતી ખાનગી કંપની દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા. તમામ પૂર્વ સૈનિકોને તેમની ધરપકડના લગભગ 14 મહિના પછી 26 ઓક્ટોબર 2023ના મૃત્યુદંડની સજા અપાઇ હતી. 28 ડિસેમ્બર, 2023ના મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. ભારતીય દૂતાવાસને પહેલીવાર સપ્ટેમ્બર 2022ના મધ્યમાં ભારતીય નેવી ઓફિસરની ધરપકડ અંગે જાણ કરવામાં આવી હતી. તેમની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવાર, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ તરીકે થઈ હતી. 8 ભારતીય અધિકારી પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો. જો કે, કતારે ક્યારેય આરોપો જાહેર કર્યા નથી. 30 ઓક્ટોબરે જવાનોના પરિવારોએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ભારતે કતારને મનાવવા માટે તુર્કીની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો. તુર્કિયેના કતારના શાહી પરિવાર સાથે સારા સંબંધો છે, તેથી ભારત સરકારે મધ્યસ્થી માટે તેમનો સંપર્ક કર્યો. ભારત સરકારે અમેરિકા સાથે પણ વાત કરી, કારણ કે વ્યૂહાત્મક રીતે અમેરિકાની કતાર પર વધુ મજબૂત પકડ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang