• શનિવાર, 27 જુલાઈ, 2024

પાકમાં બેની લડાઈમાં બિલાવલ ફાવશે ?

ઈસ્લામાબાદ, તા. 11 : ભારે ધાંધલીના આરોપો વચ્ચે  પાકિસ્તાનમાં મતદાન થયાના 67 કલાક બાદ તમામ બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ છે. જો કે, હજુ સુધી ચૂંટણીપંચ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. જેલમાં બંધ ઈમરાન ખાન સમર્થિત અપક્ષો 93 બેઠક સાથે સૌથી આગળ છે. જો કે, અગાઉ આંકડો 100 બતાવાતો હતો. નવાઝને 75 બેઠક મળી છે અને ઈમરાનને સત્તાથી દૂર રાખવા નવાઝ શરીફે બિલાવલ ભુટ્ટોને વડાપ્રધાન તરીકે સ્વીકારવા મન બનાવ્યું હોવાના પણ દાવા થઈ રહ્યા છે. દરમ્યાન, સત્તાની નજીક પહોંચેલા ઈમરાનના પક્ષ પીટીઆઈએ ચૂંટણીમાં ગરબડીના પુરાવા વેબસાઈટ પર અપલોડ કર્યા હતા. જો કે, સરકારે વેબસાઈટને પ્રતિબંધિત જાહેર કરી હતી. દરમ્યાન, ભારે વિરોધ અને આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાન ચૂંટણીપંચે અનેક બેઠકો પર 15 ફેબ્રુઆરીએ ફરી મતદાનનો નિર્ણય લેતાં રાજકીય પરિણામો ફરી પલટાઈ શકે છે. ચૂંટણી પંચની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ છે અને પરિણામો `ગાયબ' થઈ ગયાં છે! દરમ્યાન, પાકિસ્તાનમાં બિલાવલ ભુટ્ટો આગામી વડાપ્રધાન બની શકે છે. જેલમાં બંધ ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારો 100 જેટલી બેઠક કબજે કરી ચૂક્યા છે અને ઈમરાન ખાનને સત્તાથી રોકવા નવાઝ શરીફ વડાપ્રધાન પદ કુરબાન કરીને નમતું જોખી શકે છે. છેલ્લી સ્થિતિએ અપક્ષોએ 100, નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનએ 74 અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીએ 4 બેઠક જીતી છે. પાકિસ્તાની મીડિયા મુજબ પહેલાં ઈમરાન સમર્થકો 100 બેઠક પર વિજેતા બતાવાયા હતા, પરંતુ વાસ્તવમાં તેમાંથી 92 ઉમેદવાર પીટીઆઈથી જોડાયેલા છે. 8 ઉમેદવારના પીટીઆઈથી ઉમેદવારીપત્ર રદ્દ થયાં હતાં. રાજકીય વિશ્લેષકો અનુસાર પાકિસ્તાનમાં કોઈને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. અપક્ષ ઉમેદવારો જોરમાં છે અને ઈમરાન ખાનને કિંગ મેકર બનતા રોકવા નવાઝ શરીફ આસિફ ઝરદારી સાથે સત્તામાં ભાગીદારી કરી શકે છે. જો કે, તેઓ અપક્ષ ઉમેદવારોને સાધવા પણ પ્રયાસ કરી બહુમતના આંક સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઇને સરકાર બનાવતાં રોકવા તેઓ કોઈ મોટું પગલું ઉઠાવી શકે છે, જેમાં વડાપ્રધાન પદે બિલાવલ ભુટ્ટોને મંજૂરી આપી સત્તામાં ભાગીદારી કરી શકે છે. જાણકારો અનુસાર નવાઝ શરીફ અને આસિફ અલી ઝરદારી વચ્ચે વાતચીત ચાલી રહી છે. બિલાવલ વડાપ્રધાન બને તો નવાઝ શરીફ રાષ્ટ્રપતિ પદ માગી શકે છે તથા ભાઈ શાહબાઝ શરીફને પંજાબ પ્રાંતનું સૂકાન સોંપી શકે છે. પાકિસ્તાન ચૂંટણીપંચ (ઈસીપી) મતદાન સામગ્રી છિનવવા અને તેને નુકસાન પહોંચાડવાની ફરિયાદોને પગલે 15 ફેબ્રુઆરીએ અનેક મતદાન કેન્દ્રોએ પુનર્મતદાનનો નિર્ણય લીધો હતો. બેઠકોમાં પંજાબની એનએ-88, સિંધની પીએસ-18, ઘોટકી-1 તેમજ ખૈબર પખ્તૂનખ્વાની પીકે-90, કોહાટ-1 બેઠકનો સમાવેશ થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang