અમદાવાદ, તા.22 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
કોલેજમાં પીટી શિક્ષક રહી ચૂકેલા પ્રજ્ઞેશ હનુભા બારહટ સામે વિદ્યાર્થીઓને સરકારી નોકરી
અને ક્રિકેટમાં સિલેક્શન કરાવવાની લાલચ આપી પૈસા પડાવ્યાના ગંભીર આક્ષેપો થયા છે. નખત્રાણામાં
પણ આ રીતે નાણાં ઉઘરાવ્યાનો ઉલ્લેખ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ અલગ-અલગ
વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લીધા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં
તેની ઠગાઈની મોડસ ઓપરેન્ડી માત્ર અમદાવાદ પૂરતી મર્યાદિત ન હોવાનું સામે આવ્યું છે
અને રાજકોટ, ગાંધીનગર તથા કચ્છમાં પણ
વિદ્યાર્થીઓ પાસેથી નાણાં મેળવ્યા હોય તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું
હતું. પોલીસના જણાવ્યા મુજબ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી આરોપીએ કુલ આશરે રૂ.4.5 લાખની રકમ પડાવી હતી. વિદ્યાર્થીઓને
એરફોર્સમાં નોકરી અપાવવાની વાત કરી એક ઉમેદવાર પાસેથી રૂ. 50 હજાર સુધીની રકમ લેવામાં આવતી
હોવાનો આરોપ છે. આ ઉપરાંત ક્રિકેટમાં સિલેક્શન કરાવી આપવાની લાલચ આપીને પણ વિદ્યાર્થીઓ
અને તેમના પરિવારજનો પાસેથી પૈસા લેવામાં આવતા હતા. કચ્છના નખત્રાણા સંબંધિત અગાઉના
અહેવાલમાં પણ પ્રજ્ઞેશ હનુભા બારહટ નામના શિક્ષક દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓને
રમાડવાના બહાને 15 જેટલા વિદ્યાર્થીઓના
વાલીઓ પાસેથી રૂ. 4.43 લાખ ઉઘરાવ્યાનો
ઉલ્લેખ થયો હતો. ગાંધીનગરના ઈન્ફોસિટી, કચ્છના નખત્રાણા અને રાજકોટના ગાંધીગ્રામ-2, બી ડિવિઝનમાં પણ ફરિયાદો થઈ
છે. ગુજરાત કોલેજમાંથી નોકરી છોડ્યા બાદ પ્રજ્ઞેશે 10 જેટલા મોબાઈલ ફોન બદલ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. નોકરી
છોડ્યા બાદ પણ તેણે આ પ્રકારે વિદ્યાર્થીઓ સાથે નોકરીના બહાને છેતરાપિંડી આચરવાનું
ચાલુ રાખ્યું હતું. તે શિકારને શોધવા માટે અખબારોમાં સરકારી નોકરીની જાહેરાતો આપતો
હતો અને બાદમાં તે નોકરી અને ક્રિકેટમાં સિલેક્શનના નામે નાણાં પડાવવાનું કામ કરતો
હતો. એલિસબ્રિજ પોલીસે આરોપી પ્રજ્ઞેશ બારહટની અંજાર ખાતેથી ગતરોજ ધરપકડ કરી હતી. પોલીસે
તેની રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંજાર કોર્ટમાં
આરોપી વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ પણ પેન્ડિગ હોવાનું જણાયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે
પ્રજ્ઞેશને ઓનલાઈન ગામિંગ અને જુગાર રમવાની આદત પડી ગઈ હતી અને પૈસાની જરૂરિયાતને કારણે
તેણે વિદ્યાર્થીઓ પાસેથી આ રીતે રકમ મેળવવાનું શરૂ કર્યું હોવાનો પ્રાથમિક દાવો છે.