ગાંધીધામ, તા. 10 : શહેરની જુદી-જુદી બેંકોમાં
ગરીબ, જરૂરતમંદ, ઓછું ભણેલા
લોકોને લોભ લાલચ આપી તેમના 105 બેંક ખાતા ખોલાવી તે ખાતા પોતાની પાસે રાખી બાદમાં કુરિયર મારફતે
બેંગલોર, કર્ણાટક અને શ્રીલંકા મોકલાવી આ ખાતામાંથી સાઈબર ફ્રોડના રૂા. 43,93,00,113 જમા કરાવનાર ટોળકીના ચાર શખ્સોને
પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડીને આંતરરાષ્ટ્રીય મ્યુલ ખાતાઓનો પર્દાફાશ
કર્યો હતો. અહીંની કોટક બેંકમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરનાર દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ
રાણા નામના શખ્સે પોતાના મિત્ર એવા જયનીત ભરત કન્નર (મહેશ્વરી)ને મિત્રોના ખાતા મારી
પાસે ખોલાવી આપપ ખાતા દીઠ રૂા. 8000 કમિશન મળશે.
જેથી આ જયનીતએ પોતાના ઓળખીતાઓના 30થી 40 ખાતા ખોલાવી આપવા આધારકાર્ડ, બેફોટા, પાનકાર્ડ વગેરે
દસ્તાવેજો આ દિવ્યરાજને આપ્યા હતા. જેના થકી તેણે શહેરની જુદી-જુદી બેંકોમાં ખાતા ખોલાવી
તેની કિટ પોતાની પાસે રાખી લીધી હતી. અને જયનીતને તે કમિશન પેટે પૈસા આપતો હતો. આ જયનીત
જેના ખાતા ખોલાવી આપે તેમને પૈસા આપતો હતો. તેમજ આ જયનીત રાજસ્થાન જઈને કમલેશ બિશ્નોઈ
નામના શખ્સોને પણ ખાતાની કિટ આપી કમિશન લઈ આવ્યો હતો. તેમજ તેણે જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણાને પણ
દસ ખાતા ખોલાવી આપી તેની કીટ આ જયરાજને આપી દીધી હતી. દરમ્યાન દિવ્યરાજને આ જયરાજસિંહે
વર્ષ 2023માં ખાતાની જરૂરત હોવાનું અને
લિન્ક હોય તો જાણ કરવા કહ્યંy હતું. ત્યરે
આ કન્નરે ચાર ખાતા ખોલાવી આપી જયરાજને આપ્યા હતા. આ જયરાજએ દિવ્યરાજસિંહને કીંગ ડેવિડ
ઉર્ફે કનૈયાલાલ ઠક્કરની ઓળખાણ આપી હતી. અને તમામ ખાતાની કિટ તેના સુધી પહોંચાડવા જણાવ્યું
હતું. આ કનૈયાલાલ ઠક્કર તથા તેનો ભાગીદાર દીપક ઠક્કર વીડી ગામની સીમમાં આવેલા ફાર્મ
હાઉસથી આ બધું નેટવર્ક ચલાવતા હતા. કીટ તેમની પાસે પહોંચે બાદમાં જુદા-જુદા કુરિયર
મારફતે તે કર્ણાટક, મેંગલોર,
અને શ્રીલંકા મોકલી આપતા હતા. દરમ્યાન શબ્બિર અકબર લુહાર અને ચિરાગસિંહ
બલવંતસિંહ ઝાલાનો પણ ખાતા ખોલાવી આપવા સંપર્ક કરાયો હતો અને રાજભા ગાંડુજી વાઘેલા નામનો
શખ્સ આ ખાતા ખોલાવતો હતો. શબ્બિર અને ચિરાગ સિંહે પણ આ દિવ્યરાજ, જયરાજ અને રાજાભાને ખાતા ખોલાવી આપ્યા હતા. આ શખ્સોએ રોયલ ટ્રાન્સપોર્ટ નામની
પેઢીનું કરંટ ખાતું ખોલાવ્યું હતું તેમજ સીતારામ લોજીસ્ટીકનું પણ આવી જ રીતે ખાતું
ખુલ્યું હતું. આ ટોળકીએ આવી રીતે કૌભાંડ આચરીને કમીશન પેટે લાખો રૂપીયા રળી લીધા હતા.
કનૈયાલાલ અને દિપક ઠક્કર વીડીના ફાર્મ હાઉસ પર આ બધું નેટવર્ક સંભાળતા હતા. આ ટોળકી
અહીં 105 જેટલા બેંક ખાતા ખોલાવ્યા હતા.
જેમાં ઓનલાઈન છેતરપીંડીના રૂા.43,93,80,113 જમા કરાવવામાં આવ્યા હતા. અને આ ખાતાઓ સામે દેશના કર્ણાટક, પંજાબ, ઉત્તરાખંડ,
પશ્ચિમ બંગાળ, મુંબઈ, તામિલનાડુ,
દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ,
બિહાર, તેલંગાણા વગેરે મળીને કુલ 90 જેટલી ઓનલાઈન છેતરપીંડી ફરીયાદો
થયેલી છે.આ ટોળકી આવી રીતે લોકોને લોનની લાલચ આપી તેમના નામે ખાતા ખોલાવી કમિશન આપી
તેમના ખાતાની કીટ ઓનલાન છેતરપીંડી કરતી જુદી-જુદી ટોળકીઓને પુરી પાડતી હતી. જેના થકી
ઓનલાઈન ઠગબાજોએ છેતરપીંડી આચરીને આ 105 ખાતામાં રૂા.43,93,90,113 જમા કરાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે આ ટોળકીના દિવ્યરાજસિંહ
રાણા, જયનીત કન્નર, ચિરાગસિંહ
ઝાલા તથા શબ્બીર લુહારને ઝડપી પાડયા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર કિંગ ડેવીડ ઉર્ફે કનૈયાલાલ
ઠક્કર, દિપક ઠક્કર, રાજભા વાઘેલા તથા જયરાજસિંહ
રાણા હજુ હાથમાં આવ્યા નથી. જેને પકડી પાડવા તથા આ ટોળકી કોને કોને કીટ મોકલાવતી હતી
તે ઠગબાજોને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા હોવાનું પૂર્વ કચ્છ પોલીસવડા સાગર
બાગમારે જણાવ્યું હતું.