ગાંધીધામ, તા. 5 : અહીંના સુંદરપુરી આહીરવાસના
ગેટ પાસે જૂના ફોટા ડિલિટ કરવા તથા અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી 19 વર્ષીય યુવાન ઉપર છરી વડે જીવલેણ
હુમલો કરાતાં તેના આંતરડાં બહાર આવી ગયાં હતાં. બનાવ અંગે પોલીસે બે શખ્સો સામે ગુનો
નોંધ્યો હતો. શહેરના નવી સુંદરપુરી ગણેશ મંદિર પાછળ રહેનાર નેહાલ રવિ મહેશ્વરી તથા
રોનક રમેશ મહેશ્વરી અને ગોલુ સોનકર ગઇકાલે રાત્રે આ ત્રણેય મિત્રો આહીરવાસના ગેટ પાસે
મા કૃપા પાનવાળાની દુકાન પાસે ગયા હતા. દરમ્યાન ત્યાં કલ્પેશ ઉર્ફે કરણ અશોક મહેશ્વરી
તથા વિશાલ કારા મહેશ્વરી ઊભા હતા ત્યારે તું તારા ફોનમાંથી મારા જૂના ફોટો ડિલિટ કરી
નાખ તે મુદ્દે નેહાલ તથા કરણ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બન્ને વચ્ચે દોઢ-બે વર્ષ પહેલાં
પણ ઝઘડો થયો હતો પરંતુ તે અંગે ઘરમેળે સમાધાન થયું હતું. આ વાતનું મનદુ:ખ રાખી નેહાલને
બાજુમાં લઇ જઇ વિશાલે પકડી રાખ્યો હતો, ત્યારે કલ્પેશના હાથમાં બ્લેડ જેવું કાંઇ હતું જેથી નેહાલને બીક લાગતાં તેણે
બચાવ માટે છરી કાઢતાં બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી અને છરી કલ્પેશના હાથમાં આવી જતાં તેણે
નેહાલના પેટમાં હુલાવી દીધી હતી. ઘા એટલો ઊંડો હતો કે નેહાલનું આંતરડું બહાર આવી ગયું
હતું અને રક્તસ્રાવ થવા લાગ્યો હતો રાડારાડ બાદ બંને આરોપી ત્યાંથી નાસી ગયા હતા. ઘવાયેલા
યુવાનને પ્રથમ રામબાગ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
જ્યાં તે બેભાન અવસ્થામાં હોવાનું પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું હતું. યુવાનના પિતા રવિ હીરાભાઇ મહેશ્વરીએ પોલીસ ફરિયાદ
નોંધાવી હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.