• શનિવાર, 06 જૂન, 2026

જૂની મોટી ચીરઈ નજીક પુલ પરથી નીચે પડતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 5 : ભચાઉના જૂની મોટી ચીરઈ નજીક પુલ પરથી નીચે પટકાતાં સુરેન્દ્રનગર-ખારાકોરાના ઈશ્વર પ્રહલાદ રાઠોડ (ઉ.વ. 44)એ જીવ ખોયો હતો. બીજીબાજુ અંજારના ભુવડ નજીકની કંપની પાસે અનવરમિયાં અબ્દુલ્લામિયાં (ઉ.વ. 21)એ ફાંસો ખાઈ જીવ દીધો હતો. જૂની મોટી ચીરઈમાં ગઈકાલે બપોરે અપમૃત્યુનો બનાવ બહાર આવ્યો હતો. ચીરઈમાં થયેલી મંદિરચોરીના પ્રકરણમાં પોલીસ જૂની મોટી ચીરઈના ઓવરબ્રિજ નીચે અવાવરુ જગ્યામાં તપાસ અર્થે ગઈ હતી. દરમ્યાન ત્યાં લાશ મળી આવી હતી. આ અજાણ્યા યુવાનની લાશ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને તે સુરેન્દ્રનગરનો ઈશ્વર રાઠોડ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવાન ઓવરબ્રિજ પરથી કોઈ કારણે પડી જતાં ઈજાઓનાં પગલે તેનું મોત થયું હતું. તેના પરિવારજનોને જાણ કરાઈ હોવાનું પી.એસ.આઈ. એ.એન. ગોહિલે જણાવ્યું હતું. બીજીબાજુ ભુવડ નજીક આવેલી સૂર્યા કંપની પાસે આવેલી શ્રમિક વસાહતમાં બનાવ બન્યો હતો. અહીં રહેનાર અનવરમિયાં નામનો યુવાન પોતાના રૂમ ઉપર હતો દરમ્યાન તેણે અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd