• રવિવાર, 07 જૂન, 2026

જી.કે. અને મેન્ટલ હોસ્પિટલમાં 1.76 કરોડનો ગફલો

ભુજ, તા. 5 : અત્રેની માનસિક આરોગ્ય હોસ્પિટલ તથા જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ફરજ દરમિયાન બનાવટી પેઢીના નામે બેંકખાતું ખોલાવી અને ખોટા બિલો બનાવી કુલ રૂા. 1,76,81,590 જેટલા સરકારી નાણાનો ગેરઉપયોગ કરી ઉચાપત કરવાના મામલે બલભદ્રસિંહ ખેંગારજી જાડેજા અને મિતેશ ધીરજલાલ ચૂડાસમા સામે વિવિધ કલમો તળે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જને ફરિયાદ નોંધાવી હતી. ડો. કિશોરકુમાર શારદાનંદ રોયે દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, ભુજ સ્થિત માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે વર્ષ 2017થી 2026 સુધીના હાથ ધરાયેલું આંતરિક ઓડિટમાં નાણાકીય ગેરરીતિ જણાઈ આવી હતી. આ દરમિયાન વિવિધ દસ્તાવેજો અને બિલોની ચકાસણીમાં ગેરરીતે નાણાં ચૂકવાયા હોવાનું માલૂમ પડયું હતું, તો આઈએમએમએસની તપાસ કરતાં વર્ષ 2021થી ઓનલાઈન પેમેન્ટની વિગતો ઉપલબ્ધ થઈ હતી, જેમાં પણ બનાવટી એકાઉન્ટમાં સરકારી નાણાં ખોટી રીતે જમા કરાવાયા હોવાનું ઓડિટમાં ધ્યાને આવ્યું હતું, જે પછી સમગ્ર મામલે 1,76,81590 જેટલી સરકારી રકમની ઉચાપત કરાઈ હોવાથી ફરિયાદ દાખલ કરાવાઈ હતી. ઓડિટ દરમિયાન ડીજી નાકરાની નામનું બેંક ખાતું ગેરકાફદેસર હોવાનું ધ્યાને આવતાં પોલીસ મારફતે ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવાઈ હતી, જેની તપાસ કરતાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જીકેજીએચ-ભુજ નામનું વધુ એક બેંક ખાતું ખોટું હોવાનું ખુલ્યું હતું, જેમાં પણ ગેરકાયદેસર રીતે સરકારી નાણાં જમા થયેલા હોવાની વિગતો બહાર આવી હતી, જે આઈએફએમએસની વિગતો સાથે કન્ફર્મ થઈ હતી. આરોપી મિતેશ ધીરજલાલ ચૂડાસમાએ ખોલાવેલા ડીજી નાકરાની નામના ખાતામાં 7-3-2019થી 10-1-2024 દરમિયાન વિવિધ રકમ જુદી-જુદી હોસ્પિટલમાંથી જમા થઈ હતી. તે ઉપરાંત આરોપી બલભદ્રસિંહ ખેંગારજી જાડેજાએ ખોલાવેલા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જીકેજીએચ નામના પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં 29-4-2024થી 16-5-2024 દરમિયાન જુદી-જુદી રકમ જમા થઈ હતી.માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કર્મચારીએ આઉટસોર્સ એજન્સીના ભળતા નામે અન્ય વ્યક્તિ મારફતે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં નાણા જમા કરાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આમ, બંને ખાતામાં કુલ મળીને રૂા. 1,76,81,590ની સરકારી રકમ ગેરકાયદેસર રીતે જમા થઈ હોવાનું આઈએફએમએસમાંથી મળેલા ડેટાના આધારે હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તે ઉપરાંત વર્ષ 2021 પહેલાનાં બિલોની ફિજિકલ ચકાસણી કરવાની કાર્યવાહી ચાલુ હોવાથી તપાસ પૂર્ણ કર્યા બાદ અન્ય કોઈ ગેરરીતિ બહાર આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આ મામલે પોલીસે બંને આરોપી સામે ફરિયાદ નોંધી આ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે જાણવા સહિતની સઘન તપાસ હાથ ધરી છે. 

Panchang

dd