• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

માર્ગ અકસ્માતમાં ચાર જિંદગી કાળનો કોળિયો બની

ભુજ/ગાંધીધામ, તા. 19 : માર્ગ અકસ્માતના જુદા-જુદા બનાવોમાં ચાર જિંદગી કાળનો કોળિયો બની છે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં અદાણીની મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન એમબીબીએસ ડોક્ટર એવા ચાર મિત્રો ક્રેટા ગાડી લઇ સોમવારે અડધી રાત્રે નાસ્તો કરવા ગયા હતા. ટપકેશ્વરી વિસ્તારના ત્રણ રસ્તા જદુરા માર્ગ પાસે રસ્તામાં કૂતરું આડું આવતાં તેને બચાવા જતાં ગાડી પલટી ખાઇ જતાં ગાડીચાલક એવા મૂળ ભાવનગર હાલે ભુજના 23 વર્ષીય યુવાન હર્ષલ નરેશભાઇ મુંજાણીનું ગંભીર ઇજાના લીધે મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણ ઘવાયા હતા. બીજી બાજુ આજે ભુજ-નખત્રાણાના ધોરીમાર્ગ પર માનકૂવામાં કારે મોપેડચાલક 38 વર્ષીય રામઅધાર હુકુમ પ્રસાદને અડફેટે લેતાં ગંભીર ઇજાના લીધે મૃત્યુ થયું હતું, જ્યારે ગાંધીધામની ભાગોળે સમા પાર્કિંગ વિસ્તારમાં ટ્રેક્ટર ચાલુ કરવા જતાં પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતાં રાજેશ ભેદલાલ પીવાલ (ઉ.વ.38) નામના યુવાનનું મોત થયું હતું, તથા ગાંધીધામ એફસીઆઇ નજીક અગાઉ ઘવાયેલા રાજસ્થાનના અશોક મોહનલાલ સરગરા (ઉ.વ.30)એ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બી-ડિવિઝન પોલીસ મથકે મૂળ મહેસાણા બાજુના હાલે ભુજ રહેતા ઇન્ટર્ન એમબીબીએસ ડોક્ટર હાર્દિકકુમાર વિરસંગભાઇ ચૌધરીએ નોંધાવેલી વિગતો મુજબ સોમવારે રાત્રે રૂમ પાર્ટનર હર્ષલ મુંજાણી તથા અન્ય મિત્રો ઋષિક બારડ તથા પ્રીત વસૌયા મારી ક્રેટા ગાડી નં. જી.જે.- 02- ડી.પી.- 8120વાળી લઇ નાસ્તો કરવા ગયા હતા. ગાડી હર્ષલ ચલાવી રહ્યો હતો. સેલે પેટ્રોલિયમ કેફેથી નાસ્તો લઇ મિત્રો ધુનારાજા ડેમ પાસે ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે ત્રણેક વાગ્યે ટપકેશ્વરી ત્રણ રસ્તા પાસે જદુરા માર્ગની પાપડી પર કૂતરું આડું આવતાં ચાલક હર્ષલ તેને બચાવા જતાં બ્રેક મારી હતી, જેથી કાર માર્ગ ઊતરી ગડથોલિયા ખાઇ ગઇ હતી. ગંભીર ઇજાના લીધે હર્ષલનું મોત નીપજ્યું હતું, જ્યારે ફરિયાદી સહિત અન્ય બેને ઓછી-વતી ઇજા થયાનું ફરિયાદમાં લખાવાયું છે. બીજી તરફ આજે સવારે માનકૂવામાં હોન્ડાના શો-રૂમ સામે ટીવીએસનું જ્યુપીટર નં. જી.જે.-12-સીએન-2772વાળું લઇને મૂળ ઉત્તરપ્રદેશના હાલે માનકૂવા રહેતા  રામાઅધાર પ્રસાદ કામ પર જઇ?રહ્યા હતા, ત્યારે મારુતિ સુઝુકીની ઇકો ગાડી નં. જી.જે. -12 - બીએક્સ- 3558વાળાના ચાલકે અડફેટે લેતાં રામાઅધાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને એમ્બ્યુલન્સ મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. રામાઅધારના પુત્રએ ઇકોના અજાણ્યા ગાડીચાલક વિરુદ્ધ માનકૂવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામની ભાગોળે આવેલા સમા પાર્કિંગ વિસ્તારમાં ગઇકાલે  બપોરે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ખોડિયાર નગરમાં રહેનાર રાજેશ પીવાલ નામનો  યુવાન ટ્રેક્ટર નંબર જી.જે.-12-સી.એમ.-0979 લઇને આ પાર્કિંગ વિસ્તારમાં ગયો હતો, જ્યાં તે વાહનનું એન્જિ. ચડાવતો હતો તે નીચે ઊભો રહીને પોતાનો હાથ લાંબો કરી વાહન ચાલુ કરવા સેલ મારતાં અને ટ્રેક્ટર ગીયરમાં હોવાથી તે ચાલુ થઇ જતાં આ તોતિંગ વાહન યુવાન પરથી ફરી વળ્યું હતું જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેનું મોત થયું હતું. ગાંધીધામ એફસીઆઇ નજીકના માર્ગ પર ગણેશ કિરાણા સ્ટોરની સામે ગત તા. 31/8ના જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના પાલીમાં રહેનાર અશોક સરગરાના પત્ની પોતાના ભાઇઓને રાખડી બાંધવા ગાંધીધામ આવી રહ્યા હતા, તેમની સાથે આ અશોક પણ અહીં આવ્યો હતો અને તે પોતાના સાસરિયામાંથી કોઈનું બાઇક નંબર જી.જે.-12-બીએમ-0871વાળું લઇને ફરવા નીકળ્યો હતો. દરમ્યાન ગણેશ સ્ટોર સામે રિક્ષા નંબર જી.જે. -12-બી.યુ.-6950એ તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેને પ્રથમ રામબાગ પછી ભુજની જી.કે. જનરલ અને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો. રિક્ષાચાલક વિરુદ્ધ મોહનલાલ ચુનારામ સરગરાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Janmadin Vishesh Purti

Panchang