• રવિવાર, 21 એપ્રિલ, 2024

રેલડી પાસે એસ.ટી. બસ ઊથલતાં 17 ઘાયલ

ભુજ, તા. 18 : કુકમા-અંજાર ધોરીમાર્ગ પર રેલડી પાસે આજે બપોર બાદ એસટી બસ પલ્ટી જતા નાના-મોટા 17 મુસાફર ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે અંતરંગ વર્તુળો પાસેથી મળેલી વિગતો મુજબ ઝરમર વરસાદ વચ્ચે નખત્રાણા-મહેસાણા રૂટની એસ.ટી. બસ નં. જી.જે. 18 ઝેડ. 4966 કુકમા-અંજાર ધોરીમાર્ગના રેલડી પાસે પહોંચી ત્યારે આગળ જતાં વાહને અચાનક બ્રેક મારતા અકસ્માત ટાળવા એસ.ટી.ના ચાલકે રોંગસાઇડમાં બસ ઉતારી દેતા બસ પલટી ખાઇ ગઇ હતી. અંદાજે 35થી 40 પ્રવાસીઓથી ભરેલી આ બસ પલટતા રાડા-રાડથી વાતાવણ ગુંજી ઉઠયું હતું. સતત વાહનોથી ધમધમતા આ માર્ગ પર આ બસ પલટી મારી જતા તેમાં ઘાયલોની મદદે માર્ગ પરના વાહનચાલકો તેમજ આસપાસના વાડીધારકો ધસી આવ્યા હતા. બીજી તરફ 108ને જાણ કરાતા અનેક એમ્બ્યુલન્સો તથા પોલીસ પણ ઘટના સ્થળે ધસી જઇ ઘાયલોને મદદરૂપ બની હતી ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી દરમ્યાન આ ધોરીમાર્ગ એમ્બ્યુન્સની સાયરનોથી ગાજી ઊઠયો હતો. આ અકસ્માતમાં 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા જેઓને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘાયલોમાં કારા દેવા (45), કિશન (12), કમળાબેન (71), છગન ખીમજી કુંવટ (27), તુષાર યાદવ (20), પરાગ (50), જયેશભાઇ મકવાણા (35), રમેશ ભચુ કોલી (37), નાગજીભાઇ દામજીભાઇ કોલી, રમેશભાઇ રામજીભાઇ કોલી (41), કિરીટકુમાર ખીઅજી (66), કમળાબેન (60), નર્મદાબેન (40), અજીતદાન ગઢવી (40), લક્ષ્મીબેન (40), ઉર્મિલાબેન (37) અને વેદ અનિલભાઇ શાહ (20)નો સમાવેશ થાય છે. આમાંના અમુક હળવી ઇજાઓ તો અમુકને અસ્થિભંગ જેવી ઇજાઓ થઇ હોવાની વિગતો મળી છે. જોકે બધાની સ્થિતિ સ્થિર હોવાના અહેવાલ મળ્યા છે. દરમ્યાન રેલડી પાસે બસ પલટી જવાના અકસ્માત દરમ્યાન અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાના પુત્ર મુકેશભાઇ પણ સમયસર ઘટના સ્થળે ધસી આવી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી. આ ઉપરાંત ઘટનાની જાણ થતા અરવિંદ આહિર, ઉત્તમ રાઠોડ, ભરતસિંહ સોઢા, ટ્રાફિકના ક્રિપાલસિંહની સાથે પધ્ધર પોલીસ પણ ઘટના સ્થળે ધસી જઇ મદદરૂપ બન્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang