ગાંધીધામ, તા. 9 : ભચાઉના આધોઈ નજીકથી કરોડોના
સોપારીકાંડ પ્રકરણમાં હજુ સુધી તપાસ ત્યાં જ અટકેલી છે. કાસેઝના એક અધિકારીને સસ્પેન્ડ
પણ કરવામાં આવ્યા હોવાના હેવાલ સાંપડી રહ્યા છે. પોલીસ ઉત્તરપ્રદેશ પણ જઈ આવી હોવાનું
સપાટી પર આવ્યું છે, પણ આરોપી પકડાતા
નથી. આધોઈ નજીકથી સરહદી રેન્જની સાયબર સેલ પોલીસે દોઢેક કરોડની સોપારી પકડી પાડીને
સોપારીકાંડનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં અમુક શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
તપાસ બાદ સોપારી કાસેઝમાંથી નીકળી હોવાનું સપાટી ઉપર આવ્યું હતું, પણ કઈ કંપનીમાંથી સોપારી બહાર પગ કરી ગઈ હતી તે ફોડ પાડવા કોઈ તૈયાર ન હોવાનું
સમજાય છે. આ પ્રકરણમાં કાસેઝ તંત્રએ પણ તપાસ
હાથ ધરી હતી અને હાથમાં એકાદ પીઓ કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાયા હોવાનું બહાર આવ્યું
છે, પણ કેવા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સત્તાવાર
કાંઈ જાહેર થયું નથી. દરમ્યાન આ કાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસની એક ટીમ
ઘણા દિવસો પહેલાં ઉત્તરપ્રદેશ પણ આંટો મારી આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું
હતું, પરંતુ આરોપી પોલીસના સકંજામાં ફસાયો ન હોવાનું બહાર આવ્યું
હતું. જેથી આ પ્રકરણની તપાસ ઠેરની ઠેર અટકેલી હોવાનું સમજાય છે.