નખત્રાણા, તા. 24 : નગરમાં
વચ્ચેથી પસાર થતા ફન એન્ડ ફૂડ રેસ્ટોરન્ટથી આશાપુરા મંદિર (ધોડમ) વિસ્તાર સુધી જતા
ધોરીમાર્ગમાં પશ્ચિમ તરફથી ઔદ્યોગિક,
ખનિજ ઉત્ખનન, યાત્રાધામોમાં અવર-જવર કરતા
નાનાં-મોટાં વાહનોની સતત અવર-જવરનાં કારણે લાંબા સમયથી કનડતી ટ્રાફિક સમસ્યા
પરાકાષ્ટાએ પહોંચી છે. વધુમાં આ જાહેર માર્ગોમાં અડચણરૂપ પાર્કિંગ કરાતાં
નાનાં-મોટાં વાહનોનાં કારણે વધુ મુશ્કેલી ઊભી થાય છે. આ સમસ્યાના કારણે એક્શનમાં
આવેલી પોલીસ લાલઆંખ કરતાં છેલ્લા ત્રણ દિવસમાં 5446 જેટલી
મોટી સંખ્યામાં વાહનો તપાસી દંડકીય સહિતની કાર્યવાહી કરી હતી. ઉચ્ચ પોલીસ
અધિકારીઓની સૂચનાનાં પગલે નખત્રાણા પોલીસ દ્વારા સંગીન ચેકિંગ કાર્યવાહી આદરવામાં
આવતાં ફફડાટ ફેલાયો હતો. ચેકિંગ દ્વારા કસૂરદાર વાહનચાલકોમાં આર.ટી.ઓ. એન.સી.ના 104, નો
પાર્કિંગ એન.સી. 16, સ્થળ દંડ એન.સી. 16, સ્થળ
દંડ 10, એમ.વી. ધારા 181 અંતર્ગત
3 કેસ, બી.એન.એસ. 285 અંતર્ગત
1 તથા
વાહન ચેકિંગમાં 310 કેસની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા
કરવામાં આવી હતી. બીજીતરફ શહેરમાં અંદાજિત 200થી ઉપરની સંખ્યામાં શાકભાજી, કટલેરી, નાસ્તો, ઠંડા-પીણાનો ધંધો કરી રોજની કમાણીમાંથી
દરરોજ પેટિયું રળતા નાના ગરીબ ધંધાર્થીઓની હાથલારી, કેબિનો
હટાવવાની કામગીરીની શરૂઆતથી કેબિન-રેંકડી એસોસિયેશન સંગઠનના પ્રમુખ પી. સી. ચાવડાએ
પોલીસ તથા તંત્રના અધિકારીઓને ચાલતી-ફરતી રેંકડી, કેબિનો
દબાણની વ્યાખ્યામાં આવતી ન હોઇ એવાને હેરાન ન કરવા રજૂઆત કરી હતી.