• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

કચ્છના જમીન કેસમાં પ્ર્રદીપ શર્માને પાંચ વર્ષની સજા

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના રાજકારણ અને વહીવટીતંત્રમાં ચકચાર મચાવનારા વેલસ્પન ગ્રુપની કંપનીને ગેરકાયદે જમીન વેચવાના કેસમાં નિવૃત્ત આઇએએસ અધિકારી પ્રદીપ શર્માને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદની વિશેષ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) કોર્ટે તેમને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પ્રદીપ શર્મા હાલમાં જે કેસમાં સજા ભોગવી રહ્યા છે, તેનાથી આ સજા અલગથી ભોગવવાની રહેશે. તેમજ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે. આ કેસ પ્રદીપ શર્મા જ્યારે કચ્છ જિલ્લાના કલેક્ટર હતા, તે સમયનો છે. તત્કાલીન કચ્છ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે તેમણે વેલસ્પન ગ્રુપની કંપનીને નિયમો વિરુદ્ધ જઈને સસ્તા ભાવે જમીન આપી હતી. આ સોદાથી રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલા કરોડો રૂપિયા તેમણે અમેરિકામાં રહેતા પુત્ર અને પુત્રીના બેંક ખાતાઓમાં મોકલ્યા હતા. આ મામલે રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકમાં વર્ષ 2010માં ફરિયાદ નોંધાઈ હતી. આર્થિક ગેરરીતિ બદલ ઇડી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી વિશેષ પીએમએલએ (પ્રિવેન્શન અૉફ મની લૉન્ડ્રિગ એક્ટ) કોર્ટમાં વર્ષ 2016માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ જ કેસમાં તેમને હવે સજા સંભળાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વેલસ્પન ગ્રુપ ઓફ કંપનીઝના માલિકો સાથે મળીને યુએસમાં રહેતી પોતાની પત્ની શ્યામલ શર્માને સહયોગી પેઢી વેલ્યુ પેકેજીંગ પ્રાઇવેટ લિમીટેટમાં 30 ટકાના ભાગીદાર બનાવ્યા હતા. 2007 સુધી શ્યામલ શર્માએ કોઈ મૂડી રોકાણ નહોતું કર્યું, જ્યારે 2008માં 1 લાખનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. એપ્રિલ 2008થી જૂન 2009 દરમિયાન શ્યામલ શર્માને નફાના હિસ્સા મુજબ અંદાજિત 28 લાખ રૂપિયા મળ્યા હતા. આ રકમમાંથી 22 લાખ રૂપિયા તેમના ગછઘ એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ શર્માએ આ નાણાંનો ઉપયોગ ગાંધીનગરમાં તેમના ઘરમાં બાંધકામ માટે લીધેલી લોન ચૂકવવા અને ગાંધીનગર દહેગામ ખાતેની જમીન ખરીદવા માટે કરી હોવાનો આરોપ હતો. આ ઉપરાંત તેમણે હવાલા મારફતે ભારતથી અમેરિકામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનો પણ આરોપ હતો. પ્રદીપ શર્મા ગુજરાત વહીવટી સેવામાં હતા. રસાયણશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ તેમણે ગુજરાત વહીવટી સેવામાં પરીક્ષા પાસ કરી હતી અને 1981માં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક મેળવી હતી. વર્ષ 1999માં તેમને આઇએએસ અધિકારી તરીકે પ્રમોશન મળ્યું હતું. તેમણે જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેઓ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.

Panchang

dd