• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં સાત જીવન પૂર્ણ

ભુજ / ગાંધીધામ, તા. 6 : કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં સાત જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

વલસાડનો માછીમાર દરિયામાં ગરક

મૂળ વલસાડ અને હાલે અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે રહેતા માછીમાર એવા 38 વર્ષીય સુરેશસિંહ પ્રતાપસિંહ સૂર્યવંશી ગત તા. 4/12ના રાતે આર્ચિયન કંપનીની બાજુમાં જખૌ દરિયામાં જશબ નામની બોટમાં ડાબી બાજુના છેડે જમવા બેઠો હતો, ત્યારે આકસ્મિક રીતે દરિયામાં પડી જતાં તે ઊંડાં પાણીમાં ગરક થઇ ગયો હતો. આમ, પાણીમાં ડૂબવાથી તેનું મોત નીપજ્યાની વિગતો જખૌ પોલીસ મથકે જાહેર થતાં અકસ્માત મોતનો ગુનો પોલીસે નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નરાનો યુવાન કેરના ઝાડમાં લટક્યો

નરા ગામે રહેતો 22 વર્ષીય યુવાન પ્રવીણ ઉર્ફે મનીષ રામજી મહેશ્વરીએ આજે સાંજે છ વાગ્યા પહેલાં કોઇ પણ સમયે અગમ્ય કારણોસર ગામની દક્ષિણ સીમમાં કેરના ઝાડમાં ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળ્યો હતો. આ આપઘાતના બનાવ અંગે નરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

આર.ઇ. પાર્કમાં ટ્રેક્ટર પલટતાં ચાલકનું મોત

ભુજ તાલુકાના ખાવડા પાસેના આર.ઇ. પાર્કમાં ગત તા. 4/12ના સાંજે ટ્રેક્ટર પલટતાં તેનો ચાલક 25 વર્ષીય પવનકુમાર રતનલાલ ગુર્જર (રહે. મૂળ નિહાલપુરા, ખાનપુર, તા. સિકરાય, જિ. ડોસા, રાજસ્થાન)ને છાતી અને પીઠના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે ખાવડાની સરકારી હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મુંદરામાં બુલેટનો આપઘાત

મુંદરાના બારોઇ રોડ પર શબરી હોટેલની પાછળ આવેલા બિલ્ડિંગમાં ગ્રીન એપલ સ્કૂલના ઉપરના ભાગે રહેતા મૂળ બિહારના 35 વર્ષીય યુવાન બુલેટ મેવાલાલ શાહે કોઇ અગમ્ય કારણોસર ગત તા. 4/12ના રાતથી બીજા દિવસની સવાર સુધી પોતાના રૂમને અંદરથી બંધ કરી છતપંખામાં કપડાંનો ગમછો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો મૃતકના ભાઇ સોનલાલ (રહે. ગાંધીધામ, મૂળ બિહાર)એ મુંદરા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

કાંડાગરામાં ખાડામાં પડેલા યુવાનનું સારવારમાં મોત

મુંદરાના કાંડાગરામાં અદાણી કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના એવા 40 વર્ષીય યુવાન શ્રીપ્રકાશ નારાયણ યાદવ ગત તા. 25/11ના તેમની કોલોનીના ખાડામાં પડી જતાં મોઢાં તથા માથાંના ભાગે ગંભીર ઇજા પહોંચતાં માથાંમાં લોહી જામી જતાં તેને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં ત્યાં સારવાર દરમ્યાન તા. 4/12ના તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે આજે મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેન તળે અજાણ્યા શખ્સનું મૃત્યુ

ભચાઉ તાલુકાના જૂના કટારિયા સીમમાં ટેન તળે આવી જવાથી  અજાણ્યા પુરુષનું મૃત્યુ થયું હતું. અમદાવાદ-ગાંધીધામ તરફ જૂના કટારિયા સીમમાં પોલી નં. 733/28 પાસે ગત તા. 5/12ના 12.45 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. કોઈ પ્રકારે ટેનની હડફેટે ચડેલા 40 વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ થયુ હતું. લાકડિયા સી.એચ.સી.ના ડો. પરબતભાઈ ચૌધરીએ તેમને મૃત જાહેર કર્યા હતા.

કંડલા : ભિક્ષુક જેવા શખ્સનું મોત

ભિક્ષુક જેવા અને માનસિક રીતે અસ્થિત લાગતા દિનેશભાઈ  નામના યુવાનને કંડલા વિસ્તારમાંથી 108 મારફતે રામબાગ હોસ્પિટલ ખાતે લવાયા હતા. તેમને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. અહીં ગત તા. 5/12ના 12.30 વાગ્યાના અરસામાં કોમા વોર્ડમાં તેમને મૃત્યુ થયું હતું. આ યુવાને સફેદ રંગનું શર્ટ પહેર્યું હતું અને ડાબા હાથમાં દિનેશ લખ્યું હોવાનું પોલીસે ઉમેર્યું હતું.

Panchang

dd