મુંદરા, તા. 6 : મુંદરા
કસ્ટમ દ્વારા આજે કરાયેલી સિગારેટ પકડવાની સરાહનીય કાર્યવાહીમાં મોડેથી આધારભૂત સૂત્રો
દ્વારા આયાતકાર અને સીએચએ પાર્ટીનો ખુલાસો થયો હતો. સત્તાવાર યાદી બહાર પડયા બાદ મોડેથી
આધારભૂત રીતે મળતી વધુ વિગતો મુજબ આ મામલામાં આયાતકાર તરીકે અમદાવાદની કલ્પતરુ પેપરનું
નામ ખુલ્લું થયું છે, જ્યારે સીએચએ તરીકે ચેન્નાઈ સ્થિત
બાલાચંદ્રન ક્લીયારિંગનું નામ બહાર આવ્યું છે. નોંધનીય છે કે, મુંદરા પોર્ટ ઉપર સિગારેટની મિસડેક્લેરેશન દ્વારા આયાતના મામલા અગાઉ પણ પકડાઈ
ચૂક્યા છે અને કાર્યવાહી શરૂ પણ થઈ હતી, પણ તટસ્થ અને ઊંડી તપાસ
જરૂરી છે. કારણ કે, અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધારો છટકતા રહ્યા
છે અને ત્યાં સુધીમાં તપાસ આગળ વધતી જ નથી. આ સમગ્ર તપાસ-કાર્યવાહી મુંદરા સ્થિત ટી.જી.
ટર્મિનલ સીએફએસમાં આટોપવામાં આવી હતી. મુંદરા કમિશનરની કડક સૂચનાઓ પછી હાથ ધરાયેલી
કડક તપાસોમાં આ સિગારેટ ઝડપાઈ હતી અને આવા કિસ્સાઓમાં આયાતકારો, સીએચએ કે જે કોઈ જવાબદાર હોય તેવા તમામ સામે કાયમી લાયસંસ રદ જેવાં ધાક બેસાડતાં
પગલાં લેવાય તો જ આવી ગેરરીતિ અટકશે, તેવું કસ્ટમ વર્તુળો કહે
છે.