મુંદરા, તા. 6 : મુંદરા
કસ્ટમ તંત્ર દ્વારા આજે કરવામાં આવેલી એક જડબેસલાક કાર્યવાહીમાં મુંદરા કસ્ટમ કમિશનરેટના
ડોક્સ એક્ઝામિનેશન સેક્શન દ્વારા મોટી માત્રામાં વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરાયો
હતો, જેની કિંમત અંદાજે 1.11 કરોડ થવા જાય છે, જેની ગેરકાયદેસર
આયાત કરવામાં આવી હતી, જેમાં જથ્થા તરીકે ખોટી રીતે `કોર પેપર પાઇપ ઇન બેલ્સ' તરીકે મિસ ડિક્લેરેશન આપવામાં આવ્યું હતું. ક્લીયરન્સ પ્રક્રિયા દરમિયાન અનિયમિતતાઓ
જોવા મળ્યા બાદ ફરજિયાત તપાસમાં આ કન્સાઇનમેન્ટ ઝડપાયું હતું. ગઈકાલે તા. પાંચના કન્ટેનરને
ખોલીને પૂર્ણ ડિસ્ટાફિંગ કર્યા બાદ અધિકારીઓને બ્રાન્ડેડ સિગારેટના કાર્ટૂન મળી આવ્યા
હતા, જે ડિક્લેર કરાયેલા માલને બદલે પાકિંગ મટીરિયલની પાછળના
વેસ્ટ કચરાની પાછળના ભાગે ગોઠવેલા હતા. આ તપાસમાં અંદાજે 99 મોટા બોક્સમાં 4,956 કાર્ટૂન
મળી આવ્યા હતા, જેમાં લગભગ 49,560 પેકેટમાં
9,91,200 જેટલી સિગારેટની સ્ટિક મળી આવી
હતી, જેની વર્તમાન બજારાકિંમત પ્રમાણે કિંમત આકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડીજીએફટી નીતિ હેઠળ સિગારેટની આયાત પ્રતિબંધિત
છે અને એ માટે યોગ્ય પરવાનગી જરૂરી છે. આ મામલામાં આવી કોઈ પરવાનગી દેખાઈ નહોતી,
જેથી એવું સ્થાપિત થાય છે કે, જાણીબૂઝીને મિસડિક્લેરેશન
દ્વારા કસ્ટમ ડયૂટી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.